વડોદરા તેમજ આસપાસના જિલ્લાઓમાં રહેતા અને લગ્ન કરવા ઇચ્છતા યુવક પાસેથી પૈસા મેળવી યુવકના લગ્ન કરાવી પૈસા પડાવતી ટોળકી વિરુદ્ધ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. લગ્ન બાદ માત્ર10 દિવસમાં જ યુવતી ઘેરથી જતી રહેતી હતી. ટોળકીનો પર્દાફાશ થતા પોલીસે ટોળકીના 10 લોકો વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યભરના વિવિધ લોકો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી થઇ હોવાનું તપાસમાં બહાર આવી શકે છે.
ટોળકીએ નડિયાદના યુવકને યુવતી બતાવી
વડોદરા નજીક ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વણકરવાસમાં રહેતા તેમજ પોતાની ઇકો ગાડી ફેરવતા જિગ્નેશ જશુભાઇ મકવાણાના લગ્ન થયા બાદ છૂટાછેડા થયા હતાં. બાદમાં બીજા લગ્ન કરવા માટે વડોદરામાં રહેતી તેની નાની બહેન દ્વારા પાદરા તાલુકાના આમળા ગામમાં રહેતા સંજય ગોસ્વામી અને મુન્ની સંજય ગોસ્વામીનો સંપર્ક થયો હતો. બંનેએ ગીતા નામની એક યુવતીને બતાવતા તેની સાથે લગ્ન કરવાનું નક્કી થયા બાદ જિગ્નેશના ગીતા સાથે ડિસેમ્બર-2021ના રોજ લગ્ન થયા હતાં.
યુવતી 10-15 દિવસમાં ઘેરથી જતી રહે છે
દરમિયાન લગ્નના થોડા દિવસોમાં જ ગીતા ઘેરથી જતી રહી હતી. ત્યાર બાદ તેની શોધખોળ અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આમળા ગામના સંજય અને મુન્ની લગ્ન ઇચ્છુકોને યુવતી સાથે લગ્ન કરાવ્યા બાદ યુવતી 10-15 દિવસમાં ઘેરથી જતી રહે છે અને લગ્ન માટે દોઢ લાખ જેટલી રકમ બંને પડાવતા હોય છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ડેસર તાલુકા અને વડોદરાના ચાર યુવાનોને પણ લગ્ન કરાવી આપવા માટે રૂપિયા પડાવ્યા છે. આમ ટોળકીએ જુદા-જુદા લગ્ન લગ્ન ઇચ્છુક યુવકોના લગ્ન કરાવી કુલ રૂ. 6.95 લાખ રૂપિયા પડાવ્યા હતા.
10 ભેજાબાજ સામે ફરિયાદ
જેથી સંજય અને મુન્નીનો ભાંડો ફૂટી જતા જીગ્નેશભાઈએ તેની પાસે પૈસાની માગણી કરતા તેઓ વાયદા કરતા હતાં. પણ પૈસા આપવાનું ટાળતાં હતા. જેથી જીગ્નેશભાઈએ આ અંગે આખરે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય ગોસ્વામી, મુન્નીબહેન ગોસ્વામી, ગીતાબેન સુનિલભાઈ પરમાર, શિલ્પા બાલુ, નિશા પપ્પુ પોલ, જયશ્રી મુરલીધર કાલે, દિલીપ ઉર્ફે અનવર રાઉલ, મરિયમ કાંતિ પરમાર, રમિબા મંગલસિંહ સોલંકી અને શ્વેતા અનિલ પવાર મળી કુલ 10 ભેજાબાજ સામે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધીને તમામને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યના વિવિધ લોકો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી થઇ હોવાનું તપાસમાં બહાર આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.