લોકોને ઠગવા માટે ગઠિયાઓએ નવો કીમિયો અજમાવ્યો છે. શહેરના મોટર વર્કશોપના ધારકના સીમકાર્ડને બંધ કરવાની રિકવેસ્ટ મોકલી નંબર બંધ થતાં જ તેના બેંકના એકાઉન્ટમાં માંથી રૂ. 2.63 લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા વર્કશોપ ધારકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વડસરમાં આવેલા સમૃદ્ધિ ટાવરમાં રહેતા દીપુ ભાઈ ડોડીયા અટલાદરા ખાતે મોટરનું ગેરેજ ચલાવે છે. તેઓ ફોરવીલ રીપેરીંગ કામ કરે છે. ગત ૨જી તારીખે સાંજે તેઓના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે તમારો ફોન ચોરાઈ ગયો છે અથવા ખોવાઈ ગયો છે, જેથી સીમ કાર્ડ બંધ કરવા માટે અમારી કંપનીમાં રિક્વેસ્ટ આવેલ છે.
જોકે દીપુભાઈએ તેવી કોઈ રીક્વેસ્ટ નહી મોકલી હોવાનું જાણવવા છતાં સાંજે તેનો મોબાઈલ ફોનનું સીમકાર્ડ બંધ થતાં તેમણે ખાનગી મોબાઈલ કંપનીના શો રૂમ પર તપાસ કરતા સીમકાર્ડ બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ દિપુભાઈએ સીમકાર્ડ ચાલુ કરવા માટેની રિકવેસ્ટ કરતા સવારે સીમકાર્ડ ચાલુ થયું હતું. જોકે સાંજે તેઓના મોબાઈલ પર બે અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી નાણા ડેબિટ થયા હોવાનો મેસેજ આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના એક એકાઉન્ટમાંથી રૂપિયા 2.53 લાખ અને બીજા એકાઉન્ટમાંથી રૂપિયા 10 હજાર અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે બેંકમાં તપાસ કરતાં એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ અને આઈ.એમ.પી.એસ મારફતે વિશાલ કુમાર સિંઘના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયા હોવાનું જણાવ્યુ હતું. તેઓના સીમકાર્ડને સ્વેપ કરી ગઠિયાઓએ છેતરપીંડી આચરી હોવાનું જાણવા મળતા દિપુભાઈએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.