કોરોનાની દહેશત વચ્ચે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા હતા. તો બીજી બાજુ સ્કૂલમાં પ્રથમ પગથીયું ચઢનાર પ્લે સેન્ટરના બાળકો પણ ઉત્સાહભેર સ્કૂલમાં આવી પહોંચ્યા હતા. કેટલાક બાળકો પ્રથમ વખત સ્કૂલમાં આવવાથી રોકકળ કરતા જોવા મળ્યા હતા.
પહેલા દિવસે માસ્કનું પાલન ન થયું
છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે શરૂ થયેલી સ્કૂલો વાલીઓને મૂંઝવણમાં મૂકી રહી છે. જોકે, કેટલીક સ્કૂલો દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું છે. પરંતુ, સ્કૂલ શરૂ થવાના આજે પ્રથમ દિવસે જ ફરજિયાત માસ્કનું પાલન થતું જોવા મળ્યું ન હતું. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળ્યો હતો અને વિવિધ ફૂલો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટો આપીને આવકારવામાં આવ્યા હતા. આજે સ્કૂલો શરૂ થવાનો પ્રથમ દિવસ હોવાથી વાલીઓ પણ પોતાના બાળકોને વહેલી સવારે સ્કૂલ પર મૂકવા આવ્યા હતા. બીજી બાજુ સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રીક્ષાઓનો પણ ધમધમાટ જોવા મળ્યો હતો.
સ્કૂલમાં આવવાની મને ખુશી છે
વિદ્યાર્થીની વૈદેહી મોદીએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન બાદ આજે શરૂ થયેલી સ્કૂલોમાં આજે સ્કૂલમાં આવવાની મને ભારે ખુશી છે. લગભગ સવા મહિના બાદ આજે મારા જૂના મિત્રોને હું મળીને આનંદ અનુભવી રહી છું. આ સાથે નવા સત્રની સાથે નવા મિત્રો પણ વધશે. મિત્રોની સાથે શિક્ષકોને પણ મળવાની મને ખુશી થઇ રહી છે.
જૂના મિત્રોને મળીને આનંદ થયો
વિદ્યાર્થી નેહલ અમીન જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન હરવા ફરવા સાથે પસાર કર્યાં બાદ આજે સ્કૂલમાં આવતા અનેરી ખુશી થઇ રહી છે. આજે જૂના મિત્રોને મળીને આનંદ થયો છે. સાથે શિક્ષકોને મળીને પણ આનંદ થયો છે. નવા મિત્રો પણ અમે બનાવીશું અને સારો અભ્યાસ કરીશું.
કોરોના ગાઇડ લાઇનનું પાલન કરીશું
વાલી રચનાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, આજથી શરૂ નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવા માટે ભારે ઉત્સાહી છે. કોરોનાની ચોથી લહેર આવી રહી છે. અમે અમારા બાળકોનું પૂરતું ધ્યાન રાખીશું. અને સ્કૂલો દ્વારા કોરોના અંગે જે ગાઇડ લાઇન બહાર પાડશે તેનું પાલન કરીશું.
કેટલીક સ્કૂલોએ ફરજિયાત માસ્કનો પરિપત્ર જારી કર્યો
સ્કૂલના પ્રિન્સિપાલ પરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, કોરોનાના ચિંતાજનક વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને તમામ વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરીને આવવા માટેનો પરિપત્ર જારી કરી દેવામાં આવ્યો છે. સ્કૂલમાં પણ કોરોનાની ગાઈડલાઈનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. જ્યારે કોરોનાની નવી ગાઇડલાઇન આવશે, ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આજે 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો શરૂ થતા સ્કૂલો વિદ્યાર્થીઓના કલરવથી ગૂંજી ઉઠી છે, જે જે જોઈને અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આજથી શરૂ થયેલ શૈક્ષણિક સત્ર સારું જાય તેવી આશા રાખીએ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.