• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Six Months Of Investigation Into Gangrape At Vadodara Vaccine Ground Police Not Caught Accused The Home Minister Said I Will Give Justice To My Sister

વડોદરા ગેંગરેપ કેસ:પીડિતાની માતાનો પોકાર.. 'હર્ષ સંઘવી સાહેબ.. તમે કહ્યું હતું કે મારી દીકરીને જલદી ન્યાય મળશે, છ મહિના થઈ ગયા; ન્યાય ક્યારે મળશે?'

વડોદરા15 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • ગત 3 નવેમ્બરે નવસારીની યુવતીની ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી
  • ગૃહમંત્રી સહિત બધાએ મોટી-મોટી વાતો કરી, SIT રચી, પણ હજી સુધી આરોપીઓ પકડાયા નથી
  • પીડિતાની માતાને હવે પોતાની દીકરીને ન્યાય મળવા બાબતે પણ શંકા

'હર્ષ સંઘવી સાહેબને સંબોધીને હું કહું છું... તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને જલદીથી જલદી ન્યાય મળશે, પરંતુ આજે છ મહિના વીતી ગયા. આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની હતી, એમાં હજી કોઈ નિકાલ આવ્યો નથી. તો મારો પ્રશ્ન એ છે કે મારી દીકરીને ન્યાય મળશે કે નહીં મળે?' આ શબ્દો છે નવસારીની એ માતાના, જેની દીકરીની લાશ છ મહિના પહેલાં ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. આ ઘટનાને 'નજીકના દિવસોમાં' ઉકેલવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી, પરંતુ આજે છ મહિને પોલીસ આરોપીઓને પકડવાનું તો દૂર, ઓળખી પણ નથી શકી.

સંઘવી સાહેબને બેવાર ફોન કર્યો, પણ રિસ્પોન્સ જ ન આવ્યો
મૃતક યુવતીની માતાએ દિવ્યભાસ્કરને કહ્યું હતું કે "મેં વચ્ચે સંઘવી સાહેબને બે વખત ફોન પણ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ રિસ્પોન્સ જ આવ્યો નહોતો. અમે સુરતમાં સંઘવી સાહેબને મળ્યા ત્યારે તો તેમણે કહ્યું હતું કે ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી ટીમ આમાં કામ કરી રહી છે. તમારી દીકરીને ન્યાય તરતને તરત મળી જ રહેશે એવી તેમણે વાતો કરી હતી, પરંતુ કમનસીબે આવું કશું થયું નથી."

ઓએસિસ સંસ્થા સામે પૂરતી કાર્યવાહી ન થયાનો અફસોસ
"ઓએસિસ સંસ્થા કે જેની સામે કાર્યવાહી કરવાની અમે માગ કરી હતી, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અમને એવું લાગે છે કે ત્યાં કાર્યવાહી ઠંડી પડી રહી છે. ઓસેસિસના સંજુ દેસાઈની પણ કોઈ પૂછપરછ પોલીસે કરી કે ન કરી એ ખબર જ નથી. મારી દીકરીએ સૌથી છેલ્લો કોલ સંજુભાઈને કર્યો હતો અને તેઓ એ સંસ્થાના સૌથી મોટા અધિકારી છે. એટલે તેમની તો બધી વસ્તુની જાણકારી હોવી જ જોઈએ."

ફાસ્ટટ્રેક પર ચાલતી પોલીસ આ કેસમાં ઢીલી પડી
ગુજરાત પોલીસની કાર્યક્ષમતામાં કોઈ ખોટ નથી, કારણ કે આ જ ગુજરાત પોલીસે સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરી હતી. એને પગલે કોર્ટે પણ 5 દિવસમાં દોષિત આધેડને આજીવન કેદની સજા ફટકારી હતી. સુરત સેશન્સ કોર્ટે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપી ગુડ્ડુ યાદવને માત્ર 29 દિવસમાં ફાંસીને સજા ફટકારી હતી. સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટે ફેનિલને 69 દિવસમાં દોષિત જાહેર કર્યો છે, પરંતુ બીજી તરફ વડોદરામાં ઓએસિસ સંસ્થામાં અભ્યાસ કરતી મૂળ નવસારીની યુવતી પર વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ અને ત્યાર બાદ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળ્યાને 6 મહિના વીતી ગયા છતાં આરોપીઓ હજુ સુધી હાથ લાગ્યા નથી.

ગૃહમંત્રીએ કહ્યું હતું, આ તો મારી બેન છે, ન્યાય ઝડપથી મળશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો પીડિતાને બહેન કહીને ગણતરીના દિવસોમાં ગુનેગારો જેલના સળિયા પાછળ હશે, એવું નિવેદન આપ્યું હતું. તેમ છતાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે. વડોદરા ગેંગરેપ કેસને 6 મહિના થયા છતાં પોલીસ હજી ફાંફાં કેમ મારી રહી છે? રાજ્યના ગૃહ ખાતાની સક્રિયતાને શું થઇ ગયું છે? વડોદરા પોલીસ અને રેલવે પોલીસ હદનો વિવાદ કરીને તપાસમાં ઠાગાઠૈયા કરી રહી છે.

શું હતો ભેદભરમથી ભરેલો આ બનાવ?
પીડિતા 29 ઓક્ટોબર 2021ના રોજ ઓએસિસ સંસ્થામાં અભ્યાસ કરી પરત રૂમ પર જઇ રહી હતી. આ દરમિયાન સાંજના સમયે તેની સાઇકલને ટક્કર મારી રિક્ષાચાલક સહિત બે વ્યક્તિ બળજબરીથી તેને રિક્ષામાં બેસાડી વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીઓમાં ખેંચી ગયા હતા. ત્યાં બે શખસે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન એક બસચાલક આ મેદાનમાં બસ પાર્ક કરવા માટે આવ્યો હતો. તેણે પીડિતાને કપડાં ફાટેલી હાલતમાં જોઇ હતી તેમજ ત્યાંથી બે યુવકને રિક્ષામાં ભાગી જતા જોયા હતા. જોકે તેણે બે યુવકના ચહેરા જોયા ન હતા. ડ્રાઇવર પીડિતાની મદદે આવ્યો અને તેને મુખ્ય રોડ પર લઇ આવ્યો હતો. જ્યાં પીડિતાએ તેની સહેલીને ફોન કરીને બોલાવી હતી અને તેની સાથે જતી રહી હતી. 31 ઓક્ટોબર પછી યુવતી નવસારી અને 3 નવમ્બરે સુરત તથા ત્યાંથી વલસાડ ગઇ હતી, જ્યાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચ D-12માં તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

યુવતીએ ડાયરીમાં ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો
પીડિતાએ ડાયરીમાં લખ્યું હતું કે સાઇકલ લેવા હું ચકલી સર્કલ ગઇ, પણ ત્યાં ભીડ હતી, એટલે સાઇકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક જ પાછળથી કોઇએ મારી સાઇકલને જોરથી ધક્કો માર્યો. આ સાથે જ હું દીવાલ સાથે અથડાઈને નીચે પડી ગઇ. એવામાં બે લોકોએ મારી આંખો બંધ કરી દીધી અને માથામાં જોરથી મારતાં હું અર્ધબેભાન થઇ ગઇ. ભાનમાં આવ્યા બાદ મેં ચીસો પાડી તો નરાધમોએ મોઢા પર દુપટ્ટો બાંધી દીધો. શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ. બન્ને હવસખોરોને લાગ્યું કે હું મરી ગઇ છું એટલે મને ઢસડીને ઝાડીઓમાં લઇ જતા હતા. રસ્તા પર પથ્થર માથામાં વાગતાં હું ભાનમાં આવી અને બંનેને ખબર પડી કે હજી મારામાં જીવ છે એટલે બંને ભાગી ગયા. હું ગભરાઇ ગઇ હતી, આ ઘટના હું કોઇને કહીં પણ નહોતી શકતી અને હા, એ બંને મવાલી જેવા નહોતા.

દુષ્કર્મીઓ બોલ્યા હતા, ઇસ કો ઐસે હી માર ડાલેગા ક્યા?
જેમાં પીડિતાએ લખ્યું હતું કે હવસખોરો કહેતા હતા કે ઇસ કો ઐસે હી માર ડાલેગા ક્યા? યે લે ચાકુ, માર ડાલ ઇસે, ઐસે કૈસે છોડ દે. પહેલે અપના કામ તો નિપટા લે હા...હા… ઐસે હી મર જાયેગી... મૌકા ભી અચ્છા હૈ ઔર અંધેરા ભી સાથ દે રહા હૈ, યે કુછ જ્યાદા હી ઊછલકૂદ કર રહી હૈ, હા મૈં ઇસે બડે અચ્છે સે જાનતા હૂં, જ્યાદા ઊછલના બંધ કર, નહીં તો જાન ગવાયેગી. ઇસકી લાશ કો ઇધર હી ફેંક દે યા ગાડી કે આગે ધકેલ દે તો એક્સિડન્ટ લગેગા, ઇસકે જાનપહેચાન વાલે ઇધર હૈ, લે જાયેંગે.

યુવતીએ જીવ બચાવવા કરેલા છેલ્લો મેસેજ
યુવતીએ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં 3 નવેમ્બર 2021ની રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું હતું કે “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow... parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..” (સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે... મારાં માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો... રાહ જોઉં છું..)

(ઇનપુટઃ હિતેશ સોનવણે, નવસારી)