મકરપુરામાં રહેતા યુવાને પોતાની કાર ઝૂમકાર.કોમમાં ભાડે આપવા માટે મૂકી હતી, જેથી એક શખ્સે 4 દિવસ માટે કાર ભાડે લીધી હતી. જોકે 4 દિવસ બાદ પણ કાર પાછી ન આવતાં યુવકે ઝૂમકાર.કોમ પર ફરિયાદ કરી ભાડે લેનારનો નંબર મેળવ્યો હતો. જે બાદ તેની સાથે વાત કરતાં તેણે 4 દિવસમાં કાર આપવાનો વાયદો કર્યો હતો, પણ કાર પરત ન આપતાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર તરસાલી વિસ્તારમાં આવેલી વક્રતુંડ રેસિડન્સીમાં રહેતા સુજલ વાળંદ અમેરિકાની કંપનીમાં ઘરેથી કામ કરે છે. તેમની કારનો વધુ વપરાશ ન હોવાથી તેમણે ઝૂમકાર.કોમ પર કાર ભાડે આપવા મૂકી હતી. દરમિયાન 17 જૂને સુજલની પત્ની કિંજલના ફોન પર તેમની કારના બુકિંગ માટે મેસેજ આવ્યો હતો. જેમાં તેમની કાર યશ બુદરાનીએ ભાડે લીધી તેમ જણાવ્યું હતું.
યશે કારનું 4 દિવસ માટે બુકિંગ કરાવ્યું હતું અને તે જ દિવસે રાત્રીના સમયે કાર લઈ ગયો હતો. જોકે 20 જૂને કાર પાછી ન આવતાં સુજલે ઝૂમકાર.કોમના કસ્ટમર કેર પર કોલ કર્યો હતો, જ્યાંથી તેમને જાણવા મળ્યું હતું કે, યશે કારનું બુકિંગ 25 તારીખ સુધી લંબાવ્યું છે.
સુજલે કસ્ટમર કેર પાસેથી યશનો નંબર લઈને તેનો સંપર્ક કર્યો હતો. જેમાં વિવેક કેવલાણી નામના વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમનો ભાઈ યશ કાર લઈને ગયો છે. 3-4 દિવસમાં આપી જશે તેમ કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે વિવેક અને અક્ષય ચવાણ નામનો વ્યક્તિ સુજલને મળવા આવ્યા હતા અને તેમને વિશ્વાસમાં લીધા હતા.
દરમિયાન 25 જૂને કાર પરત ન આવતાં સુજલે ફરી વિવેકનો કોલ કરતાં તેણે જણાવ્યું હતું કે, કાર અક્ષય લઈ ગયો છે. ત્યારબાદ સુજલના ફોન વિવેક ઉપાડવાના બંધ કરી દેતાં તેણે વિવેક અને અક્ષય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.