ભાસ્કર વિશેષ:શનિ મંદિરના પૂજારી સામે ફરિયાદ નોંધ્યા બાદ ‘શનિ દેવ કોપાયમાન થશે તો’ તેવા વિચારથી પોલીસબેડામાં ફફડાટ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડી શનિદેવ મંદિર ખાતે શનિ જયંતી નિમિત્તે ભીડ ભેગી થતાં 4 સામે ગુનો નોંધાયો

શનિ જયંતી નિમિત્તે વાડી સ્થિત 250 વર્ષ જૂના શનિ મંદિરમાં ભક્તોની ભીડ ભેગી થતાં વાડી પોલીસે પૂજારી મેઘાવી જયશંકર સહિત 4 વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી. શનિદેવની જન્મ જયંતીએ પૂજારી સામે ફરિયાદ તો કરી દીધી હતી, પરંતુ ન્યાયના દેવતા એવા શનિદેવ આ ફરિયાદથી કોપાયમાન તો નહીં થાયને તે બાબતે પોલીસ અધિકારીઓ સહિત પોલીસબેડામાં ફફડાટ વ્યાપ્યો છે.

વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.જી.બામણિયાએ જણાવ્યું કે, 10 જૂને શનિ જયંતી નિમિત્તે રાતે 8-30 વાગે વાડી દાલિયાપોળના નાકે આવેલા પૌરાણિક શનિદેવના મંદિરે ટોળા ભેગા થયાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમ મંદિરે જતાં ટોળાં જણાયાં હતાં.

જેથી કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ મંદિરના પૂજારી મેઘાવી જયશંકર દવે, હર્ષ સુદતકુમાર જાની, હર્ષીલ મેઘાવી દવે (તમામ દાલિયા પોળના નાકે, વાડી) અને કાનન દિલીપભાઈ મહેતા (રતન ખડકી, રિલીફ રોડ) વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસની આ કાર્યવાહી સામે વાડી સહિત ચાર દરવાજા વિસ્તારના કેટલાક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે ટૂંક સમયમાં શનિ મહારાજ કાર્યવાહી સામે પરચો બચાવશે તેવી વાતો વહેતી થઈ હતી. આ ઘટનાની સાથે ફતેગંજ પોલીસને વિતેલી આપવીતી પણ લોકોએ યાદ કરાવી હતી. વાડી પોલીસે શનિ મંદિરના પૂજારીને આરોપી તો બનાવ્યા, પરંતુ પૂજારીના નામ આગળ શ્રી લખીને વિવેક દાખવ્યો હતો.

હનુમાનજીની મૂર્તિ પોલીસ સ્ટેશનમાં જમા લેતાં ફતેગંજ પોલીસ સંકટમાં મૂકાઈ હતી
ફતેગંજ પોલીસે ભૂતકાળમાં હનુમાનજીની મૂર્તિને જમા લીધી હતી. જે બાદ થોડા દિવસમાં પોલીસ સ્ટેશનના પીઆઈ 10 લાખની લાંચ લેતાં પકડાયા હતા. આટલેથી વાત અટકી નહતી, તપાસ માટે નીકળેલી પોલીસના વાહનને અકસ્માત થયો હતો, જેમાં એએસઆઈને ઈજા થઈ હતી. ઉપરાંત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન પીઆઈને હાર્ટએટેક આવતાં ટેબલ પર અવસાન થયું હતું.

અન્ય પીઆઈનો ફાયરિંગ મુદ્દે વિવાદ થયો હતો. તમામ ઘટના બાદ તપાસ કરતાં ખબર પડી કે સ્ટોરરૂમમાં હનુમાનજીની મૂર્તિને મુદ્દામાલ તરીકે જપ્ત લીધી છે. ત્યારબાદ મૂર્તિને પોલીસ સ્ટેશનના ઉપરના માળે લઈ જઈ પૂજન કરી ભૂલ સ્વીકારી હતી.

અન્ય સમાચારો પણ છે...