વિરોધ પ્રદર્શન:પાંચ વર્ષ પહેલાં ડ્રેનેજ લાઇન નાખવાનો વાયદો કર્યા બાદ ‘ધારાસભ્ય ખોવાયાં છે’

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાળીદાસની ચાલીના રહીશોએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. - Divya Bhaskar
કાળીદાસની ચાલીના રહીશોએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • અકોટા વિધાનસભાની કાળીદાસની ચાલીના રહીશોના પોસ્ટર સાથે દેખાવો
  • માત્ર 500 મીટર જેટલી​​​​​​​ લાઇન ખેંચવાથી સમસ્યા ઉકલી શકે તેમ છે

અકોટા વિધાનસભામાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચેની કાળીદાસની ચાલી 5 વર્ષથી ડ્રેનેજ લાઈનની રાહ જોઈ રહી છે. 5 વર્ષ અગાઉ ધારાસભ્ય વોટ માગવા આવ્યાં હતાં અને ડ્રેનેજ લાઈન નાખી આપશે તેઓ વાયદો કર્યો હતો. ત્યારબાદથી તેઓએ વિસ્તારની મુલાકાત ન લીધી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો ‘ધારાસભ્ય ખોવાયાં છે’નાં પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વોર્ડ 12 અને અકોટા વિધાનસભામાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચે કાળીદાસની ચાલીના લોકોએ બુધવારે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામાજિક કાર્યકર મુરાદ દારેડિયાના જણાવ્યા અનુસાર 5 વર્ષ અગાઉ ધારાસભ્ય સીમાબેન મોહિલે તેમના વિસ્તારમાં આવ્યાં હતાં અને વોટ આપવાની અપીલ સાથે વર્ષોથી ડ્રેનેજ લાઈનની સુવિધાથી વંચિત લોકોને તાત્કાલિક ધોરણે લાઈન નાખી અપાશે તેમ જણાવ્યું હતું.

બીજી તરફ નજીકમાં આવેલી પરમાર ચાલી સુધી ડ્રેનેજ લાઈન નખાઈ છે. જ્યાંથી માત્ર 500 મીટર જેટલી લાઈન ખેંચી કાળીદાસ ચાલીને સુવિધા આપી શકાય તેમ છે. જોકે 5 વર્ષ સુધી અહીંયાં ધારાસભ્ય કે કાઉન્સિલરો જોવા પણ આવ્યાં નથી. જેથી રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્ય ખોવાયાં છે તેવાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડ્રેનેજ લાઈન ન હોવાથી રહીશોને પાણી નિકાલની પરેશાની ભોગવવી પડી રહી છે. તંત્ર વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...