અહીં પહેલી પોળ વિકસી હતી:કોટવડના મામા બાલચંદ રહેવા આવ્યા બાદ તેમના નામે પોળ ઓળખાતી થઇ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મામાની પોળ - Divya Bhaskar
મામાની પોળ
  • 700 મીટરમાં ફેલાયેલા આ વિસ્તારના વિકાસ બાદ વડોદરાએ આધુનિકતા તરફ મંડાણ કર્યાં
  • આ પોળનું મહાવીર સ્વામી જિનાલય 114 વર્ષ જૂનું, કલ્યાણ પાર્શ્વનાથ જિનાલય 183 વર્ષથી છે

4થી સદીનું વડપદ્રક વિકસીને આજનું વડોદરા બન્યું તે વચ્ચેની 15 સદીઓમાં વિકાસનું અવિરત સાક્ષી વડોદરા શહેર બન્યું છે. આ શહેરની એક ઓળખ તેની સંખ્યાબંધ પોળો છે. મોટા દરવાજાવાળી રહેણાંક જગ્યા(વિસ્તાર)ને સમાન્યત: પોળ કહેવાય છે. આવી જગ્યા માટે સંસ્કૃત ભાષામાં પ્રતોલિ શબ્દ છે. આવા રહેણાંક વિસ્તારમાં અવર-જવર માટે એક જ રસ્તો સલામતીના કારણોસર રાખવામાં આવતો હતો. આ પોળો પૈકી વડોદરાની સૌથી પહેલી પોળ મામાની પોળ હોવાનું તત્કાલીન સાહિત્ય, જૈન સાહિત્યના વિવિધ પુરાવાઓ પરથી સાબિત થાય છે.

સત્તરમી સદી બાદ આ વિસ્તારનો વિકાસ ઝડપભેર થયો હતો. મામાની પોળનું નામ કેવી રીતે પડ્યું તે પણ રસપ્રદ છે. મહારાજા સયાજીરાવ બીજાના મામા બાલચંદ( કે ભાલચંદ્ર) પટેલ મૂળ કોટવડના હતા, કેટલોક સમય આ વિસ્તારમાં રહેવા આવ્યાં હતા. જેના પરથી મામાની પોળ એવું નામ પડ્યું હોવાનું કહેવાય છે. આ પોળનું નામકરણ ઇસ.1826થી 1846 વચ્ચેના સમયગાળામાં થયું હોવાનું કહી શકાય છે.

પણ અહીં લોકો ચોથી સદીથી એટલે કે વડપદ્રક હતું ત્યારથી રહેતા હતા. મામાની પોળની સામે આવેલી હવેલીના પાયાના ખોદકામમાંથી નવમી સદીનું તામ્રપત્ર મળ્યું હતું. જેમાં આ વિસ્તાર(વડપદ્રક)નો ઉલ્લેખ હતો. જેમાં પશ્ચિમે અંકોટક(અકોટા), દક્ષિણે મહાસેનક તળાવ( હાલનું પોલોગ્રાઉન્ડ, પોલો ક્લબ વિસ્તાર) હોવાનું લખાણ છે. ઇસવીસન પૂર્વની બીજી સદીમાં હાલના અકોટાના આ તામ્રપત્રમાં અંકોટક નગર તરીકેનો ઉલ્લેખ છે. આ વિસ્તાર નીચો હોવાથી પ્રમાણમાં ઊંચાઇએ હોય તેવા કોઠી અને આસપાસના વિસ્તારમાં લોકોએ વસાહતો સ્થાપી હતી.

મામાની પોળમાં જ વડોદરાનું સૌથી પહેલું શિખરબંધી દેરાસર બન્યું
આ વિશે જૈન અગ્રણી પ્રકાશ શેઠ કહે છે કે, મામાની પોળ સદીઓ જૂની છે. મહાવીર સ્વામી જિનાલય 114 વર્ષ જૂનું અને કલ્યાણ પાશ્વર્વનાથ જિનાલય 183 વર્ષથી છે, જે વડોદરાનું સૌથી પહેલું શિખરબંધી દેરાસર છે.’ દાદા ભગવાનનું ઘર પણ આ જ પોળમાં હતું. હાલમાં ત્યાં તેમનું મ્યુઝિયમ છે. વિનોબા ભાવે પણ આ પોળમાં કેટલાક વર્ષો રહ્યાં હતા. ઇ.સ. 1450માં મહંમદ બેગડાના સમયમાં લખાયેલા ‘ચંદ્રાવિજય પય’માં પણ વડપ્રદનગર (વડપદ્રક નામમાં ફેરફાર થયો)નો ઉલ્લેખ છે. હાલનું સત્તાવાર નામ
વડોદરા વર્ષ 1974માં પડ્યું હતું.

25 જૈન લોકોના મકાન આ પોળમાં આવેલા છે 500 લોકો હાલમાં આ પોળમાં વસવાટ કરી રહ્યા છે 500 થી વધુ પોળો વડોદરામાં છે

અન્ય સમાચારો પણ છે...