સ્ત્રી અત્યાચાર:વડોદરામાં લવ મેરેજ બાદ પતિએ અન્ય યુવતી સાથે અફેર કર્યું, પત્નીને બાળક સાથે ઘરમાંથી કાઢી મુકી

વડોદરા2 મહિનો પહેલા
વડોદરા મહિલા પોલીસ સ્ટેશન. - Divya Bhaskar
વડોદરા મહિલા પોલીસ સ્ટેશન.
  • લવ મેરેજ બાદ પરિણીતાને ક્યારેય પિયર જવા દીધી ન હતી
  • પતિ દારૂ પી મારઝૂડ કરતો, સાસુ-સસરા અને દિયર-દેરાણી પણ ત્રાસ ગુજારતા

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને લવ મેરેજ બાદ પતિએ ત્રાસ આપતા અને અન્ય એક યુવતી સાથે લગ્નેત્તર સંબંધો રાખતા એક પુત્ર સાથે પિયરમાં રહેવાની સ્થિતિ આવી છે. પરિણીતાએ પતિ અને સાસરીયા સામે શારિરીક માનસિક ત્રાસ, મારઝૂડ અને દહેજ માગ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ 2013માં તેના લવ મેરેજ ગોધરા ખાતે રહેતા રવિ પ્રકાશભાઇ જોષી સાથે થયા હતા. લગ્ન જીવનથી તેમને હાલ 8 વર્ષનો પુત્ર છે. લગ્નના થોડા વર્ષ બાદ પતિ રવિએ અન્ય એક યુવતી સાથે અફેર શરૂ કર્યું હતું અને પત્નીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. રવિ દારૂ પીને ઘરે આવતો પત્નીને માર મારતો હતો. સાસુ-સસરા અને દિયર-દેરાણી પણ પરિણીતાને પરેશાન કરવા લાગ્યા હતા. પરિવારના બધા સભ્યો જમી લે ત્યારબાદ જ પરિણીતાને વધેલું જમાવા આપતા હતા. તેમજ દહેજ માગી મ્હેણા ટોણા મારતા હતા.

દિયર-દેરાણી પણ ડંડાથી મારવા માટે પતિને ઉશ્કેરતા
લગ્ન બાદ ક્યારેય પણ પતિ રવિએ તેની પત્નીને તેના પિયર જવા દીધી ન હતી. ગત ડિસેમ્બર મહિનામાં પતિ દારૂ પી ઘરે આવ્યો હતો અને અફેર છે તે યુવતીને લગ્ન કરીને ઘરમાં લાવવાનો છું અને તેમાં મારા પિતા પણ મને સાથ આપશે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. આ અંગે પરિણિતાએ સસરા પ્રકાશભાઇને ફરિયાદ કરતા સસરા પણ દારૂના નશામાં હતા અને પરિણીતાની હત્યા કરી નાખવા કહ્યું હતું. પતિ માર મારતો ત્યારે દિયર-દેરાણી પણ ડંડાથી મારવા માટે પતિને ઉશ્કેરતા હતા અને હસતા હસતા કહેતા કે લાકડીથી મારો સરસ મજાનો અવાજ આવશે. સાસુ પણ તેને મારવા દોરડું લઇને આવ્યા હતા. જેથી પરિણીતા જીવ બચાવી ઘરની બહાર નિકળી ગઇ હતી. જેથી પરિણીતાએ પતિ અને સાસરીયા સામે વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...