છેતરપિંડી:જ્વેલર્સને હિપ્નોટાઇઝ કરી ગઠિયો 3 લાખના દાગીના સેરવી ગયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સીસીટીવીના ફૂટેજમાં બાઇક સવાર બે ગઠિયાઓ ઝડપાયાં હતાં. - Divya Bhaskar
સીસીટીવીના ફૂટેજમાં બાઇક સવાર બે ગઠિયાઓ ઝડપાયાં હતાં.
  • છાણી કેનાલ નજીક જ્વેલર્સની દુકાનના માલિકના પુત્ર સાથે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઠગની છેતરપિંડી
  • ગઠિયો​​​​​​​ અને તેનો સાગરિત CCTVમાં કેદ

શહેરના છાણી કેનાલ નજીક આવેલા ખોડિયારનગરમાં જવેલર્સની દુકાનમાં આવેલા બે પૈકીના એક ગઠિયાએ વેપારીને હિપ્નોટાઇઝ કરી તેના હાથ અને ગળામાંથી તેમજ દુકાનમાંથી રૂ. 3 લાખની કિંમતના સોનાના દાગીના સેરવી ફરાર થયા હતા. ઘટના સંદર્ભે છાણી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સમા રોડ પર આવેલી અખંડદીપ સોસાયટીમાં ગોપાલભાઈ સોની રહે છે. તેઓનો 22 વર્ષનો પુત્ર સાગર સોની છાણી રોડ પર આવેલા ખોડીયારનગર ખાતે પ્રિયાંશ જ્વેલર્સની દુકાન ચલાવે છે.

શુક્રવારે બપોરે દુકાનમાં જમવાની તૈયારી કરી રહ્યો હતો. તે સમયે એક અજાણ્યો વ્યકિત તેની દુકાનમાં આવ્યો હતો અને તેણે ચાંદીનું તાવીજ માંગ્યું હતું. સાગરે તેને ચાંદીનું તાવીજ આપી અઢીસો રૂપિયા લીધા હતા. જોકે ત્યારબાદ ગઠિયાએ બાજુની દુકાનમાં તેનો મિત્ર કપડાંની ખરીદી કરી રહ્યો છે અને તેના લગ્નમાં મારે તેને સોનાની ચેન ભેટમાં આપવાની છે તેમ કહી સોનાની 12 ગ્રામની ચેન બતાવવા કહ્યું હતું. પરંતુ સાગર પાસે ચેન ન હોવાથી તેણે ગઠિયાના કહેવાથી પોતે પહેરેલી ચેન બતાવી હતી. ત્યારબાદ ગઠિયાએ રૂપિયા રૂ. 2000 આપી સાગરને રૂ. 50 ની નોટ બતાવી હાથ મિલાવ્યો હતો.

તેણે સાગરને હિપ્નોટાઈઝ કરી તેના હાથમાં પહેરેલી બે નંગ સોનાની વીંટી, એક ચેઇન તેમજ દુકાનના ડ્રોવરમાં રાખેલી 2 જોડ કાનની બુટ્ટી, 12 જોડ કાનમાં પહેરવાની કડીઓ તેમજ 10 નંગ પેન્ડલ મળી કુલ રૂ. 3.05 લાખની કિંમતના 68 ગ્રામ સોનાના દાગીના સેરવી ફરાર થયા હતા. આ ઘટના બાદ સભાન થયેલા સાગરે બનાવ સંદર્ભે તેના પિતાને જાણ કરતા તેના પિતાએ છાણી પોલીસ મથકમાં જાણ કરી હતી. ઘટના સંદર્ભે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં દાગીના સેરવી લેનાર ગઠિયો એક બાઈક પર તેના સાગરિત સાથે જતો દેખાયો હતો. પોલીસે બે અજાણ્યા ગઠિયાઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બંનેની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...