વડોદરામાં બિલ્ડરની પુત્રીને સેલ્વિન નામના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી બ્લેડના 500 ઘા મરાવ્યાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે, ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પ્રેમલગ્નના એક વર્ષમાં જ કેલ્વિન નામના વિધર્મી યુવકે હિન્દુ યુવતીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવા દબાણ કર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે તપાસ અધિકારી એએસઆઇ શ્રીરામ ભીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પ્રમાણે કેલ્વિનને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે અને તેને 5 દિવસની અંદર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે અને હાજર નહીં થાય તો તેની ધરપકડ કરવામાં આવશે.
વડોદરાની યુવતીને અમદાવાદ લઈ જઈને લગ્ન કર્યા
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 2 જુલાઈ 2022ના રોજ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે 14 એપ્રિલ 2021ના રોજ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા કેલ્વિનભાઇ જોસેફભાઇ રાઠોડ સાથે અમદાવાદ ખાતે ખ્રિસ્તી રીતરિવાજ પ્રમાણે પ્રેમલગ્ન કર્યા હતા. એક બાઇકના શો રૂમમાં અમે બંને સાથે નોકરી કરતાં હતાં, જ્યાં અમારા વચ્ચે સાત મહિના પ્રેમસંબંધ રહ્યો અને પછી લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ ઘરસંસાર સારી રીતે ચાલતો હતો અને હું પતિ તેમજ સાસુ-સસરા સાથે રહેતી હતી. હું હિન્દુ ધર્મની છું. મારો પતિ ફર્ટિલાઇઝરમાં નોકરી કરે છે.
ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહીને મને મારવા લાગ્યા
અંદાજે છ મહિના પહેલાં હું ઘરે હતી ત્યારે મારા સાસુ-સસરા મને કહેવા લાગ્યા તું નોકરી કેમ કરતી નથી, તું દહેજ પણ લાવી નથી એમ કહી પૈસાની માગણી કરતા હતા તેમજ તું ખ્રિસ્તી ધર્મ અપનાવી લે એવું કહી મને મારવા લાગ્યા અને મારા પતિ પણ ત્યાં હાજર હતા છતાં મારો સાથ આપ્યો નહીં, જેથી મેં ઘરમાં રહેલી ખજવાળની ગોળી અને તાવની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે આ અંગે મેં પિયરમાં જાણ કરી ન હતી. ઘટનાના બે મહિના મારી મેરેજ એનિવર્સરીના દિવસે બહાર જમવા માટે ફરવા જવાનું કહેતાં મારા પતિ તથા સાસુ સંગીતાબેન જસ્ટિનભાઇ રાઠોડ તથા મારા સસરા જસ્ટિનભાઇ જોસેફભાઇ રાઠોડે મને માર માર્યો હતો. મારા પતિએ કહ્યું હતું કે તું મને ગમતી નથી. મને બીજી છોકરી ગમી ગઇ છે. તેની સાથે હું લગ્ન કરવાનો છું.
સાસુ-સસરાએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે આ બનાવો અંગે જ્યારે મેં મારી માતાને ફોન કરી જાણ કરી તો તેઓ મને આવીને લઇ ગયા હતા, જેના એક મહિના બાદ પતિ કેલ્વિન સમાધાન કરી મને પરત લઇ ગયો હતો અને આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદનું પણ સમાધાન કર્યું. જોકે તેના થોડા મહિના બાદ ફરી મારાં સાસુ-સસરાએ મહેણાં-ટોણાં મારીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
મારા પતિ કેલ્વિને મને લાત મારીને ઉઠાડી
હું ઘરમાં ઊંઘતી હતી ત્યારે મારા પતિએ કેલ્વિને મને લાત મારીને ઉઠાડી હતી અને કાન પર એક લાફો ઝીંકી દીધો હતો. સાથે જ પતિ કહેવા લાગ્યો હતો કે તું મને ડાઇવોર્સ કેમ નથી આપતી એમ કહી મને મરી જવાની ધમકી આપી અપશબ્દો કહ્યા હતા, જેથી મેં 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવી હતી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.