લાંબા સમયના વિરામ બાદ ભાદરવા માસના પ્રારંભે મેઘરાજાએ સાંજે ધબધબાટી બોલાવી હતી. પ્રચંડ ગાજવીજ શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે રાબેતા મુજબ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાંજે શરૂ થયેલા જોરદાર વરસાદને પગલે શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી. વડોદરા શહેર સાથે જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘ મહેર થઇ હોવાના અહેવાલો મળ્યા હતા.
કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વડોદરા શહેરમાં આજે સાંજે ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર શરૂ થયેલા વરસાદને પગલે સાંજ પછીના બજારો ઉપર અસર જોવા મળી હતી. તોફાની વરસાદને જોઇ નાના-મોટા દુકાનદારો પોતાની દુકાનો બંધ કરી ઘરે રવાના થઇ ગયા હતા. એક કલાક સુધી એક ધારો સાંબેલાધારે વરસાદ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. એમ.જી. રોડ, સ્ટેશનથી અલકાપુરીને જોડતા રેલવે સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકો અટવાઇ પડ્યા હતા.
અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો
વડોદરા શહેરમાં પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તો વળી અનેક જગ્યાએ નાના-મોટા વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં વીજ વાયરો તૂટી જવાના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો હતો. જોકે, જી.ઇ.બી. અને ફાયર બ્રિગેડની ટીમો વરસાદની ગતિ ઓછી થતાંજ કાર્યરત થઇ ગઇ હતી.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વડોદરા શહેરના રાવપુરા, માંડવી, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, કારેલીબાગ, અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સામાન્ય વરસાદમાં પણ વડોદરા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઇ જાય છે, ત્યારે આજે ભારે વરસાદ થતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઇ ગઇ હતી. લાંબા સમય બાદ મેઘરાજાએ પધરામણી કરતા શહેરીજનો વરસાદનો આનંદ માણવા નીકળી પડ્યા હતા.
સાંજના સમયે વરસાદ થતાં ઘરે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા
વડોદરામાં સાંજે 6 વાગ્યા પછી અચાનક વરસાદ શરૂ થતાં નોકરી-ધંધા પરથી ઘરે જતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા અને રસ્તામાં જ અટવાઇ ગયા હતા. વડોદરા શહેરની સાથે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં મેઘો મનમૂકીને વરસતા આતુરતાથી મેઘાની રાહ જોઇને બેઠેલા ધરતી પુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. જો મેઘો આ સપ્તાહમાં વરસ્યો ન હોત તો ખેડૂતોને રડવાનો વખત આવ્યો હોત.
વડોદરા જિલ્લામાં વરસાદની આગાહીના પગલે પ્રશાસન સાબદુ
વડોદરા જિલ્લામાં વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર આર.બી. બારડની સૂચનાથી નિવાસી અધિક કલેક્ટરે જિલ્લામાં વરસાદની શકયતાઓને ધ્યાને લઈ તમામ અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી, જિલ્લા અને તાલુકા કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે. કોઈ પણ બનાવ બને તેવા સંજોગોમાં તાત્કાલિક પગલાં લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.