વરસાદી માહોલ:વડોદરામાં દિવસભરના ઉકળાટ બાદ વરસાદ શરૂ, નવરાત્રિની પૂર્વ સંધ્યાએ વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં મૂકાયા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરમાં સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો - Divya Bhaskar
વડોદરા શહેરમાં સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો
  • વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું

અસહ્ય ઉકળાટ બાદ વડોદરા શહેરમાં સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એકધારે વરસેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. અચાનક પડેલા વરસાદી ઝાપટાને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. તો લોકોએ ઉકળાટમાં રાહત અનુભવી હતી.

શેરી ગરબાના આયોજકો મુંઝવણમા મૂકાયા
નવરાત્રિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ વરસેલા જોરદાર વરસાદને પગલે નવરાત્રિની નીકળેલી ખરીદીમાં અસર પડી હતી. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં જ બજારમાં દોડધામ મચી ગઇ હતી. વેપારીઓએ સામાન બચાવવા દોડધામ કરી મૂકી હતી. વરસાદનું જોરદાર ઝાપટું પડતાં ગરબાની તૈયારીઓ કરી રહેલા આયોજકો મુંઝવણમા મૂકાઇ ગયા હતા. ખેલૈયાઓ પણ નિરાશ થઇ ગયા હતા. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં નોકરીમાંથી પરત ફરનારા અટવાઇ પડ્યા હતા.

વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું
વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું

કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો
વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જોકે કેટલાક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા હતા. પરંતુ વરસાદ પડ્યો નહોતો. આવતીકાલે ગુરૂવારથી શરૂ થતી નવરાત્રિમાં વરસાદ વિઘ્નરૂપ ન બને તે ખેલૈયાઓ ઇચ્છી રહ્યા છે.

આ વખતે 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થાય છે પરંતુ આ વખતે 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી મોસમ શરૂ થશે. જો કે નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે. જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 7 ઓક્ટોબરથી દિવસનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધતા ગરમી અનુભવાશે.

લોકોએ ઉકળાટમાં રાહત અનુભવી હતી
લોકોએ ઉકળાટમાં રાહત અનુભવી હતી

14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...