વડોદરાના સાહસવીરોની કહાણી:છોટાઉદેપુરનાં જંગલોમાં 6 માસ સુધી પ્રેક્ટિસ કર્યા બાદ 6 બિઝનેસમેનનું હિમાલયમાં 75 કિમીનું ટ્રેકિંગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બિઝનેસમેનની તસવીર - Divya Bhaskar
બિઝનેસમેનની તસવીર
  • શહેરના સાહસવીરોએ ઉત્તરાખંડમાં 5થી 15 ડિગ્રી તાપમાનમાં 55 ડુંગર સર કર્યા

શહેરના 6 બિઝનેસમેન અને સ્પોર્ટસ એડવેન્ચર્સ દ્વારા ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં 14 દિવસ સુધી 75 કિમીનું ટ્રેકિંગ કરી વડોદરા પરત ફરી હતી. આ સાહસયાત્રામાં 55 ડુંગરો સર કર્યા હતા અને 4 દિવસ સુધી સતત વરસતા વરસાદમાં ટ્રેકિંગ કર્યું હતું. વડોદરાથી 2 દાયકામાં કોઇ ટીમ દ્વારા કરાયેલા આ સંભવત: પ્રથમ સફળ પ્રયાસ છે. 12 હજાર ફૂટથી માંડીને 15 હજાર ફૂટની ઊંચાઇ સુધીનો આ ટ્રેક હતો.

વડોદરાના પ્રતીક પટેલ (ઉ.વ.30 વર્ષ), તેજસ પટેલ (ઉ.વ. 37), ભદ્રેશ ચૌહાણ (ઉ.વ. 43), તપન શાહ (ઉ.વ. 45), બાબુ તડવી (ઉ.વ. 36) અને વિનોદ તડવી (ઉ.વ. 47) જુદા જુદા બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ તમામે હિમાલયના મંદાની વેલિથી પટોલી, ડગલા બુધિયાલ થઇને ફરી મંડલી વેલિ સુધીનો ટ્રેક પૂરો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ ટ્રેક પર હરિયાળી, બરફ અને પ્રાકૃતિક સુંદરતાનો સંગમ છે. આ દરમિયાન સતત પહાડો ચઢવા ઉતરવાનો રોમાંચ યાદગાર રહ્યો હતો.

તપન શાહે જણાવ્યું કે,‘2017માં એવરેસ્ટ બેઝકેમ્પમાં ગયા બાદ 2020ના વર્ષને બાદ કરતા દર વર્ષે એડવેન્ચર ટુર-ટ્રેકિંગ કરીએ છીએ. દરરોજ 9થી 10 કલાક ટ્રેકિંગ કરતા હતા. હાલમાં આ ટ્રેકમાં આવતા ડુંગરો પર ફુલોની સિઝન હોવાથી સંખ્યાબંધ પ્રકારના હજારોની સંખ્યામાં ફુલોના નજારા-સુગંધ માણવા મળ્યા હતા. જ્યારે જન્માષ્ટમીના દિવસે જ ડાયરા બુધિયાલ ખાતે બ્રહ્મકમળના દર્શન પણ તળાવમાં કર્યા હતા અને જન્માષ્ટમીની ઉજવણી પણ ટેન્ટમાં કરી શક્યા હતા.’ આ ટીમના અન્ય સભ્ય ટ્રેકર આ ટ્રેકિંગની પૂર્વ તૈયારી માટે છોટાઉદેપુરના વનવિસ્તારમાં જઇને પહાડો પર વજન સાથે કિલોમીટરો સુધી ચાલવાની જોગિંગ-ટ્રેકિંગની પ્રેક્ટિસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...