નિર્ણય:581 દિવસ બાદ રેલ યાત્રી જનરલ ટિકિટ સાથે મુસાફરી કરી શકશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25મી ઓકટોબરથી10 એકસપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચ જોડવા નિર્ણય
  • સૂચિત ટ્રેનોના જનરલ કોચમાં પાસ હોલ્ડરો બેસી શકશે નહી

581 દિવસ બાદ રેલ યાત્રીઓ હવે જનરલ ટિકિટ સાથે મુસાફરી કરી શકશે કારણકે વેસ્ટર્ન રેલવે દ્વારા 10 એકસપ્રેસ ટ્રેનોમાં 25મી ઓકટોબરથી જનરલ કોચ જોડવા નિર્ણય કરાયો છે. ટ્રેનોમાં ભીડ નિયંત્રીત કરવા સોશીયલ ડિસ્ટન્સીંગના નામે પાસ હોલ્ડરોની કેટલીક એકસપ્રેસ ટ્રેનોને રેલવે દ્વારા આખી રીઝર્વ કરી દેવાઈ હતી પરંતુ વેસ્ટર્ન રેલવેની દશ એકસપ્રેસ ટ્રેનમાં યાત્રીઓ અનરીઝર્વ ટિકિટ લઇને મુસાફરી કરી શકશે. દશ ટ્રેનોમાં ટ્રેન દીઠ પાંચ કોચ જોડવામાં આવશે.

કોરોનાના કારણે છેલ્લા 19 મહિનાથી બંધ કરાયેલી ટ્રેનો પૈકીની અનેક ટ્રેનો શરુ કરવા માટે રેલવે દ્વારા ગતિવિધી હાથ ધરવામાં આવી છે. પાસ હોલ્ડરો માટે વિવિધ મેમુ-ડેમુ ટ્રેનો 15મી સપ્ટેમ્બરથી ચાલુ કરાયા બાદ મુંબઇ સેન્ટ્રલ- અમદાવાદ,સુરત-બાન્દ્રા,વલસાડ-અમદાવાદ, વડોદરા-દહાણુ (ભિલાડ),વલસાડ- વડોદરા, ભાવનગર-ઓખા, દાહોદ-ભોપાલ, બરોડા-જામનગર અને અમદાવાદ-જામનગર એકસપ્રેસ ટ્રેનમાં જનરલ કોચ જોડવામાં આવશે. આ તમામ ટ્રેનોમાં 25મી ઓકટોબરથી જનરલ ટિકિટ પર મુસાફરી થઈ શકશે.

વડોદરા રેલવે ડિવિઝનના જન સંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે ‘ આ ટ્રેનોના જનરલ કોચ માટે હવે યાત્રીઓએ રીઝર્વેશનના રૂ.15 નહી આપવા પડે પરંતુ પાસ હોલ્ડરો આ ટ્રેનના જનરલ કોચમાં બેસી શકશે નહી. ટ્રેનમાં યાત્રીઓએ મેઈલ-એકસપ્રેસનું ભાડું ચુકવવાનું રહેશે.

પાસ હોલ્ડર એસોસીયેશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ આ અંગે જણાવ્યું હતું કે ‘ વડાપ્રધાન સહિત રેલવેના ટોચના અધિકારીઓને પાસ હોલ્ડરો અને સામાન્ય મુસાફરો બંને માટે રજૂઆત કરાઈ હતી. રેલવેના આ નિર્ણયના કારણે ત્રણેક હજાર જેટલા પાસ હોલ્ડરોની મુસીબત યથાવત રહી છે.

અન્ય સમાચારો પણ છે...