રોનક પાછી ફરી:37 વર્ષ બાદ 400થી વધુ સ્થળે શેરી ગરબા થશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1984થી કોમર્શિયલ ગરબાની શરૂઆત થયા બાદ સંખ્યા વધતી ગઇ અને શેરીઅો સૂની થઇ હતી
  • સૌથી વધુ લક્ષ્મીપુરા વિસ્તારમાં 32 શેરી ગરબાનું આયોજન : સાદાઇથી માતાજીની આરાધના કરવા શહેરના ખેલૈયા સજ્જ

ગુરુવારથી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. ત્યારે શહેરમાં 37 વર્ષ બાદ કોમર્શીયલ ગરબ બંધ રહેતા શેરી ગરબાની રોનક ફરી પાછી પરત ફરશે. શહેરમાં 1984માં પહેલા કોમર્શીયલ ગરબાની શરૂઆત થઈ હતી. જેને પગલે ધંધાદારી ગરબાના આયોજનની ઝાકમઝોળમાં સોસાસટીઓ અને શેરીઓમાં થતાં ગરબા સમયાંતરે બંધ થવા માડયા હતા. ગત વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ગરબા બંધ રહેતા વર્ષ 2021માં માત્ર શેરી ગરબાને જ મંજુરી મળતા ખેલૈયાઓ 7 ઓક્ટોબરથી શહેરના 412 સ્થળો પર શેરી અને સોસાયટીઓમાં આયોજીત ગરબામાં રમઝટ બોલાવશે. સૌથી વધુ 32 શેરીગરબા લક્ષ્મીપુરા વિસ્તારમાં આયોજીત થવાના છે.

લોકો પોતાના ઘરોમાં સ્થિત દેવસ્થાન તેમજ મંદિરોમાં પણ માતાજીને અર્પણ કરવા માટે પુજાપો તેમજ ચૂંદડીની પણ ખરીદી કરી રહ્યાં હતાં. આ ઉપરાંત તાડફળિયા, દયાલભાઉનો ખાંચો, ફતેગંજ મેઈન રોડ તેમજ સરદારભુવનનો ખાંચો અને વાડી શનિ મંદિર, હુજરાત પાગા વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે.ત્યારે બુધવારે મોડી રાત સુધી આયોજકો દ્વારા ગુરૂવારથી શરૂ થતા નવરાત્રિને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. જેમાં આયોજકો દ્વારા સ્પિકર અને લાઈટો ગોઠવાઇ હતી.

મંદિર : બહુચરાજી મંદિરમાં બીમાર લોકોને દર્શને ન આવવાની અપીલ
શારદીય નવરાત્રિના પ્રારંભ સાથે જ માંઈ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે પહોચશે. જેમાં ચાલુ વર્ષે કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર પ્રથમ વખત શારદીય નવરાત્રિમાં ખુલ્લુ રહેશે. બહુચરાજી મંદિરમાં બિમાર હોય તેવા લોકોને દર્શને ન આવવા પણ અપીલ કરવામાં આવી છે. જ્યારે મંદિર આઠમથી દશેરા સુધી બંધ રહેશે. બહુચરાજી મંદિર ઉપરાંત ચાર દરવાજા સ્થિત અંબામાતાનું મંદિર,રણુ સ્થિત તુળજાભવાની મંદિર, પાવાગઢ કાલીકામાતા મંદિર સહિતના માંઈ મંદિરોમાં નવરાત્રિને લઈને સજાવટ કરવા સાથે સરકારી જાહેરનામા મુજબ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.માસ્ક ફરજિયાતના બોર્ડ પણ લગાવાયા છે.

શેરી - સોસાયટી : ઘર આંગણે જ સુશોભન સાથે ચાચર ચોક તૈયાર
ગત વર્ષે કોરોનાને લીધે નવરાત્રીની ઉજવણી થઇ ન હતી. લોકોએ ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યું હતું. અત્યાર સુધી કોર્મશિયલ ગરબામાં ખેલૈયા જતાં હોવાથી શેરીઓ અને સોસાયટીમાં થતાં ગરબા ક્રમશ: બંધ થઇ ગયા હતા. કોરોનાકાળમાં ગત વર્ષે ગરબાની મંજૂરી મળી ન હતી. આ વર્ષે પરવાનગી મળતા હવે સોસાયટીઓ અને શેરીના ખેલૈયાને ઘર આંગણે ગરબા રમવા મળે તે માટે શેરી અને કોમન પ્લોટમાં સુશોભન સાથે ચાચર ચોક તૈયાર કરાયા છે. મોટાભાગની સોસાયટીઓમાં કોમન પ્લોટમાં સ્પીકર અને લાઇટિંગની વ્યવસ્થા ગોઠવી ગરબાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

બજાર : નવરાત્રી પૂર્વે 45 લાખના ચણિયાચોળી અને કેડિયા વેચાયા
શહેરમાં ચણીયાચોળી-કેડિયાનું નવાબજાર ખાતે ધૂમ વેચાણ થઈ રહ્યું છે.તેવામાં પણ નવરાત્રીના એક દિવસ પૂર્વે નવાબજારમાં ખરીદી કરવા માટે સુરત,વલસાડ,નવસારી,આણંદ,ખેડા સહિતના જિલ્લામાંથી લોકો ચણીયાચોળી-કેડિયા ખરીદવા માટે આવી પહોચ્યાં હતાં. વેપારીઓના જણાવ્યા અનુસાર,નવાબજારમાં 100થી વધુ દુકાનો અને પથારા પર ચણિયાચોળીનું વેચાણ થઈ રહ્યું છે.જેમાં બુધવારે જ આશરે 45 લાખથી વધુના ચણિયાચોળી અને કેડિયા સહિત વસ્ત્રોનું વેચાણ થયું છે. તેમજ એક અંદાજ મુજબ નવાબજારમાંથી 50 લાખ સુધીના ચણીયાચોળી વિદેશ મોકલવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...