વડોદરા શહેર અને જિલ્લામાં આજે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા શહેર બેઠકના ઉમેદવાર મનીષા વકીલે આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રાવપુરા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મહેશકુમાર ગોવિંદભાઇ રોહિતે ફોર્મ ભર્યું હતું.
વડોદરામાં શહેર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનીષા વકીલે યવતેશ્વર મહાદેવના દર્શન કર્યાં બાદ ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન રાવપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ પણ હાજર રહ્યા હતા. સાથે જ વડોદરાના મેયર રોકડિયા તેમજ સયાજીગંજ બેઠક પરથી ભાજપમાંથી તેઓ ઉમેદવારી જ નથી કરવા માંગતા તેવી જાહેરાત કરી ચુકેલા પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા પણ મનીષા વકીલના સમર્થનમાં હાજર રહ્યા હતા.
મેન્ડેડ વગર કોંગ્રેસમાંથી વિશાળ બાઇક રેલી સાથે ફોર્મ ભર્યું
વડોદરા જિલ્લાની પાદરા બેઠકના વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોર(પઢીયાર)નું જંગી બાઇક રેલી સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા સત્તાવાર પાદરા બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યું નથી.પરંતુ કહેવાય છે કે, પ્રદેશની સૂચનાને આધારે ઉમેદવારી કરી હોવાનું જાણવા મળ્યું છે. આજે પાદરા બેઠક ઉપર કોગ્રેસના વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે ઉમેદવારી પત્ર ભરી દેતા, પાદરા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની ચાલતી અટકળોનો અંત આવ્યો છે.
મોટી સંખ્યામાં લોકો જોડાયા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લાની સાવલી, કરજણ અને પાદરા તેમજ વડોદરા શહેરની પાચ બેઠકો પૈકી વડોદરા શહેર (અ.જા.) બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ, પ્રદેશ દ્વારા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારને મેન્ડેડ વગર ઉમેદવારી પત્ર ભરવા માટે સૂચના આપી હોવાથી તેઓએ જંગી બાઇક રેલી સાથે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા જિલ્લાની વાત કરીએ તો સાવલી બેઠકના ઉમેદવાર કેતન ઇનામદારે પોતાના સમર્થકોને સાથે રાખીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. આ ઉપરાંત વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સમર્થકો સાથે જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમની રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા.
ભાજપને સમર્પિત ગણાતી શહેર-જિલ્લાની 10 બેઠકો પૈકીની 3 બેઠકો પર ભાજપના જ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે. આ ઉપરાંત શહેરની બાકી રહેલી 2 વિધાનસભા બેઠક પર બળવાના એંધાણ દેખાઈ રહી છે, ત્યારે રવિવારે ગાંધીનગર કમલમ ખાતે દોડી આવેલા અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં 3 કલાકની મથામણ બાદ પણ કોઈ નિવેડો આવ્યો નથી. આજે બાકી રહેલી બેઠકોના ઉમેદવારોના નામો જાહેર થવાની વકી છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર વધતાં ભાજપ તેનો પ્રભાવ રોકવા મથે છે. ચૂંટણીના અનુસંધાને ભાજપ માટે મધ્ય ગુજરાત સૌથી મહત્ત્વનું છે.
કલેક્ટર તંત્રની ચૂંટણી શાખા છેલ્લા અઢી માસથી સોળ કલાક ધમધમે છે
થોડા દિવસો પહેલા એવું બન્યું કે વડોદરાની ચૂંટણી શાખાના કેટલાક કર્મયોગીઓ મહત્વના પત્રોમાં મત્તુ મરાવવા બપોરના સમયે કલેક્ટર અતુલ ગોરના નિવાસ સ્થાને પહોંચ્યા. કલેક્ટરે ઘડિયાળ સામે જોયું તો અઢીત્રણ વાગ્યા હતા. તેમણે આગંતુક કર્મયોગીઓને પૂછ્યું, તમે જમ્યા ? જવાબ મળ્યોઃ ના ! કલેક્ટરે સૌ પ્રથમ આવેલા કર્મયોગીઓને નાસ્તો કરાવ્યો અને બાદમાં વહીવટી કામગીરી કરી આપી. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દિવસના સોળસોળ કલાક ધમધમી રહેલી કલેક્ટર કચેરીની ચૂંટણી શાખાની વ્યસ્તતાનું એક નાનું ઉદાહરણ છે. વિધાનસભાની ચૂંટણીને લઇને છેલ્લા છએક માસથી સઘન તૈયારીઓ કરી રહેલી જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા લગભગ પહેલી સપ્ટેમ્બરથી દિવસરાત ધમધમે છે.
સયાજીગંજ-માંજલપુર બેઠક પર બળવાના એંધાણ
હવે ભાજપને સમર્પિત ગણાતી શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકીની જિલ્લાની 3 બેઠકો પર ભાજપના જ પૂર્વ ધારાસભ્યો પાર્ટી સામે બાંયો ચઢાવી ઊભા થયા છે. આ માટે ભાજપ મોવડી મંડળ શનિવારે ડેમેજ કંટ્રોલ કરવાનો પણ દાવ ખેલ્યો હતો, જે નિષ્ફળ રહ્યો છે, ત્યારે શહેરમાં પણ બાકી રહેલી સયાજીગંજ અને માંજલપુર બેઠક પર પણ બળવાના એંધાણ વર્તાય છે. રવિવારે વડોદરા શહેરની બે બેઠક સહિત રાજ્યની 16 બેઠક ઉભી થયેલી ગુંચવણને દૂર કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર કમલમ ખાતે દોડી આવ્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી પણ ગાંધીનગર પહોંચ્યા હતાં. જોકે મોડી રાત સુધી યાદી જાહેર થઇ નથી.
માંજલપુરમાં પાટીદાર કે વૈષ્ણવને ટિકિટ આપવી તેમાં કોકડું ગૂંચવાયું
યોગેશ પટેલને 75 વર્ષની વય મર્યાદા નડી હોવા છતાં વધુ એક વખત લડવાની ઈચ્છા છે. માંજલપુરમાંથી પાટીદારને ટિકિટ મળે તેવી પાટીદાર સમાજ આશા રાખી રહ્યો છે. કાઉન્સિલર કલ્પેશ પટેલના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વૈષ્ણવાચાર્ય અને સંતોનું અપમાન થયું હતું. અગાઉ પણ ધાર્મિક કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનો કારસો રચાયો હતો. બંને ઘટનામાં ભાજપના જ નેતાની સંડોવણી હોવાની ભાજપમાં જ ચર્ચા હતી. ત્યારે પાટીદારને કે વૈષ્ણવને ટિકિટ આપવી તેની વચ્ચે કોકડુ ગુંચવાયું છે.
સયાજીગંજમાં સ્થાનિક નેતાગીરીએ લિસ્ટ આપ્યું તેમાં ગોઠવણ જણાતાં ગૂંચવણ ઊઠી
આ વખતે સૌથી વધુ દિગ્ગજ નેતાઓએ સયાજીગંજમાંથી દાવેદારી કરી છે. આ બેઠક ઉપર ભાજપે પહેલેથી જ નક્કી કર્યું હતું કે, જીતી જાય તેવા ઉમેદવારને જ ટિકિટ આપવી. પરંતુ, જ્યારે મોવડી મંડળમાં લિસ્ટ ગયું તેમાં સ્થાનિક કક્ષાની ગોઠવણ સ્પષ્ટપણે જણાઈ હતી. જેને કારણે લિસ્ટમાંથી કેટલાકને તો સ્પષ્ટ ના પણ પાડી દેવાઈ હતી, ત્યારે હવે બળવાની બીકે આ બેઠક ઉપર કોને ટિકિટ આપવી તેનું કોકડું ગુંચવાયું છે.
કોંગ્રેસ-આપની નજર, બંને પક્ષો છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી શકે તેવી શક્યતા
વડોદરા શહેરની 3 બેઠકોના ઉમેદવારની જાહેરાત બાદ હવે ગમે ત્યારે ભાજપ બે ઉમેદવારો જાહેર કરી શકે છે. તેવામાં જે દાવેદારોને ટિકિટ નથી મળી, તે પક્ષ સામે બળવો કરી અન્ય કોઈ પક્ષમાં જાય તેવી શક્યતા છે. ભાજપની હરકત પર કોંગ્રેસ-આપની નજર છે. નારાજો અન્ય પક્ષ કે અપક્ષથી દાવેદારી કરે તો કોંગ્રેસ-આપ ઉમેદવારો બદલે તેવી શક્યતા રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.