સુવિધા:22 વર્ષ બાદ એમ્બ્યુલન્સ સેવા કેન્દ્ર એસએસજીને પરત સોંપાયું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ફાયર ટેન્ડર SSG પરિસરમાં 24 કલાક ઊભા રહી શકશે
  • મેયરની હાજરીમાં સયાજીના સુપરિન્ટેન્ડેન્ટને ચાવી સોંપાઈ

એસએસજી સ્થિત અરવિંદરાય કેશવરાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સ અને અગ્નિશમન કેન્દ્રની ચાવી 22 વર્ષ બાદ શનિવારે એસએસજીને સોંપાઈ હતી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટના ટ્રસ્ટી કિરાત વૈષ્ણવના હસ્તે મેયર કેયૂર રોકડિયાની હાજરીમાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરને ચાવી સોંપાઈ હતી. ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્દ્રનો 50 હજાર લોકોએ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લીધો હતો. હવે ફાયર ટેન્ડર એસએસજી પરિસરમાં સલામત રીતે 24 કલાક ઊભા રહી શકશે. હાલમાં ફાયર ટેન્ડરને ઇમર્જન્સી મેડિસિન સેન્ટર બિલ્ડિંગની બહાર ખુલ્લામાં ઊભું રાખવું પડે છે.

કિરાત વૈષ્ણવે જણાવ્યું કે, ‘આ કેન્દ્ર સ્થાપવા પાછળની પ્રેરણા વડોદરાના પ્રથમ ચીફ ફાયર ઓફિસર અરવિંદરાય વૈષ્ણવ હતા. પહેલું ફાયર સ્ટેશન દાંડિયાબજાર ખાતે બન્યું ત્યારે તેનું નામ ‘અગ્નિશાંતિ કેન્દ્ર’ રખાયું હતું.’ ભાજપના શહેર અધ્યક્ષ ડો. વિજય શાહે જણાવ્યું કે, ‘રાજ્યમાં સૌથી વધુ ફાયરની મંજૂરી શહેરમાં લેવાઈ છે. એસએસજી એક માત્ર હોસ્પિટલ છે જેમાં અગ્નિશમન કેન્દ્ર પણ છે.’

અન્ય સમાચારો પણ છે...