7મીથી નવરાત્રી:12 વર્ષ બાદ આ વખતે 2 તિથિ ભેગી હોવાથી 8 નોરતાં રહેશે, ત્રીજ-ચોથ અને ચોથ-પાંચમ તિથિ ભેગી છે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીને 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરના રાજમહેલ રોડ પર દયાળભાઉના ખાંચા ખાતે શેરી ગરબાની તૈયારીઓ શરૂ કરાઇ છે. - Divya Bhaskar
નવરાત્રીને 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરના રાજમહેલ રોડ પર દયાળભાઉના ખાંચા ખાતે શેરી ગરબાની તૈયારીઓ શરૂ કરાઇ છે.

7 ઓક્ટોબર અને આસો સુદ એકમ તિથીથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે નોરતામા ત્રીજ-ચોથ અને ચોથ-પાંચમ તિથી ભેગી આવી રહી છે. આ સંયોગના પગલે ચાલુ વર્ષે નોરતા આઠ રાત્રીના રહેશે. આ પહેલા વર્ષ 2000,2002 અને 2009માં એક નોરતું ઓછું હતું. જ્યારે નવરાત્રીમાં દુર્ગાષ્ટમી જેને હવનાષ્ટમી પણ કહેવામાં આવે છે,જે 13 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત થશે.પંચાગ અનુસાર 9 ઓક્ટોબરના રોજ સવારે 7:48 વાગ્યા સુધી જ ત્રીજ તિથી રહે છે,ત્યાર બાદ ચોથ શરૂ થઈ જાય છે. 10 ઓક્ટોબરના રોજ સવારે 5 વાગ્યા સુધી ચોથ તિથી રહેશે.

શાસ્ત્રી નયન જોષીના જણાવ્યા અનુસાર,નવરાત્રી એટલે શક્તિની આરાધનાનું પર્વ. આ સાથે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના અર્ચન-પુજન સાથેની આરાધના કરવાના દિવસો. આ વર્ષે 7 ઓક્ટોબરથી પ્રારંભ થતી નવરાત્રી 15 ઓક્ટોબરે દશેરા સાથે પૂર્ણ થશે. આ વર્ષે ત્રીજ-ચોથ અને ચોથ-પાંચમ તિથી ભેગી હોવાના કારણે આઠ રાત્રી ની નવરાત્રી રહેશે. શારદીય નવરાત્રીના દિવસોમાં ભક્તો દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન વ્રત કરીને અખંડ દીપ, જ્વારાં,કુંભ સ્થાપન કરીને ખુબ શ્રધ્ધાથી આ પર્વ મનાવાય છે. અખંડ દીપ કુંવારીકાઓને ભોજન,ચંડીપાઠનો પાઠ,નવાણમંત્રના જાપ દ્વારા વિવિધ પ્રકારના અનુષ્ઠાન સાધકો દ્વારા કરાય છે.

પહેલા નોરતે દર્શન માટે સવારે પાંચ વાગે પાવાગઢ મંદિરના દ્વાર ખૂલશે
પાવાગઢમાં આસો નવરાત્રીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તૈયારીઓ કરી લેવાઈ છે. કોરોનાની મહામારીને લઈ પાવાગઢમાં સતત ત્રણ નવરાત્રીનું આયોજન થઈ શક્યું ન હતું. આ વખતે કોરોનાની મહામારી અંકુશમાં આવી જતાં આ વખતે યોજાનાર આસો નવરાત્રીમાં ભક્તો માતાજીના પ્રત્યેક દર્શનનો લાભ લઇ શકશે. પહેલા નોરતેથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવશેની વકીને લઈ જિલ્લા પ્રશાસન દ્વારા પણ કોઈ કસર ન રહી જાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. મંદિરમાં નવીનીકરણમાં બનેલ વિશાળ પરિસરમાં બે હજાર જેટલા લોકો ઊભા રહી દર્શન કરે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. પહેલા નવરાત્રે ભક્તોના દર્શન માટે સવારે 5 વાગે મંદિરના નીજ દ્વાર ખુલ્લા મુકાશે અને રાત્રે 8 કલાકે બંધ કરાશે. મંદિરનો 70ના સ્ટાફ સહિત વધારાના 30 સિક્યુરિટી જવાનો ફરજ બજાવશે. યાત્રાળુઓની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી મંદિર સહિત પરિસરમાં હાઈફ્રિકવન્સી સીસીટીવી કેમેરા સજ્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...