તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After 119 Days Of Treatment At A Government Hospital In Vadodara, The Woman Beat Corona, Saying: "Doctors Are Angels, They Gave Me New Life."

મહિલાનો હૃદયસ્પર્શી પત્ર:વડોદરાની સરકારી હોસ્પિટલમાં 119 દિવસની સારવાર બાદ મહિલાએ કોરોનાને માત આપી, કહ્યું: 'તબીબો દેવદૂત છે, તેમણે જ મને નવી જિંદગી આપી'

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી હોસ્પિટલમાં એકપણ રૂપિયાનો ખર્ચ ન થયો, ખાનગીમાં સારવાર કરાવી હોત તો 1 કરોડનો ખર્ચ થયો હોત

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની એક મહિલા 30 એપ્રિલથી 26 ઓગસ્ટ સુધી, લગભગ 119 દિવસની મેરેથોન સારવાર બાદ કોરોનાને માત આપી છે. જેના માટે મહિલાને એકપણ રૂપિયાનો ખર્ચ થયો નથી. જોકે, મહિલાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હોત તો 1 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હોત. પુષ્પાબેન તડવીએ સયાજી હોસ્પિટલમાંથી રજા મેળવીને વિદાય થતાં પહેલાં હોસ્પિટલના બિછાનેથી જ એક હૃદયસ્પર્શી આભાર પત્ર લખ્યો છે.

હોસ્પિટલના બિછાનેથી પુષ્પાબેને હૃદયસ્પર્શી આભાર નોંધ લખી
હું પહેલો આભાર ભગવાનનો અને તે પછી ધરતી પરના તેમના દૂત જેવા તબીબો અને આરોગ્યદાતા સ્ટાફનો માનીશ...સરકારી આરોગ્ય તંત્રના પીઠબળ અને પ્રોત્સાહનથી 119 દિવસની મેરેથોન સારવારના પગલે કોરોના અને તેના લીધે ફેફસાંની ખરાબીથી મુક્ત થયેલા નર્મદા જિલ્લાના પુષ્પાબેન તડવીએ સયાજી હોસ્પિટલમાંથી રજા મેળવીને વિદાય થતાં પહેલાં હોસ્પિટલના બિછાનેથી જ એક હૃદયસ્પર્શી આભાર પત્ર લખ્યો છે.

મહિલાએ લખેલો હૃદયસ્પર્શી પત્ર
મહિલાએ લખેલો હૃદયસ્પર્શી પત્ર

તબીબો અને નર્સ પ્રેમાળ વર્તન અને હૂંફથી મનોબળ વધારતા
તેનો ભાવાર્થ એવો છે કે, હું આકાશમાં ભગવાન અને ધરતી પર તેમના દેવદૂત જેવા તબીબો અને સ્ટાફના સહારે હતી, જેઓ મને સતત સાજા થઈ જવાશેનો વિશ્વાસ બંધાવતા હતાં. મારી સાથેના અન્ય કોરોના દર્દીઓ 10 કે 15 દિવસની સારવાર પછી સાજા થઈને વિદાય લેતા, ત્યારે મારો વિશ્વાસ ક્ષણિક ડગી જતો. જોકે, પછી તુરંત જ મન કહેતું કે ભગવાન અને આ લોકો મને અવશ્ય સાજી કરશે, ભલે સમય થોડો વધારે લાગશે. અહીં મારી સવાર સાંજ નિયમિત તપાસ અને સમયસર દવાઓ આપવાની કાળજી લેવાની સાથે પ્રેમાળ વર્તન અને હૂંફથી મારું મનોબળ વધારવામાં આવતું.

ભગવાન અને તબીબો અને સ્ટાફનો આભાર માન્યો
હું પહેલો આભાર ભગવાનનો અને તે પછી મારી સારવાર કરનારા તબીબો અને સ્ટાફનો માનીશ. તેમણે જ મને નવી જિંદગી આપી છે. કવિવર રબિન્દ્રનાથ ઠાકુરની એક હૃદયસ્પર્શી વાર્તા હોમ કમિંગ(ઘર વાપસી) ભણવામાં આવતી હતી. તેના જેવી જ અનુભૂતિ પુષ્પા બહેનની આ કોરોના સામેના જંગની કથામાં તમને નથી થતી

મહિલાએ 119 દિવસની મેરેથોન સારવાર બાદ કોરોનાને માત આપી છે
મહિલાએ 119 દિવસની મેરેથોન સારવાર બાદ કોરોનાને માત આપી છે

?

મહિલા 77 દિવસ વેન્ટિલેટર પર રહ્યા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામમં રહેતા પુષ્પાબેન તડવીને 30મી એપ્રિલે દાખલ કર્યા હતા. જ્યારે તેમને દાખલ કર્યા ત્યારે તેમની હાલત ખૂબ ગંભીર હતી, ફેફસાને 85 ટકા નુકસાન પહોંચ્યું હતું. તેમની પ્રથમ સારવાર સમરસ હોસ્પિટલ ખાતે અને પછી સયાજી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓ 77 દિવસ વેન્ટિલેટર પર રહ્યાં હતા.

આ કિસ્સો ગુજરાતની સરકારી હોસ્પિટલોના સારવાર સેવાના ઇતિહાસમાં પ્રથમ હશે
કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, તેમનો કોરોના સંબંધી આરટીપીઆર રિપોર્ટ તો મે મહિનામાં જ નેગેટિવ થઇ ગયો હતો.જોકે, કોરોનાને લીધે તેમના ફેફસાં લગભગ બિન કાર્યક્ષમ થઈ ગયાં હોવાથી વેન્ટિલેટર સારવાર જરૂરી હતી. વિક્રમજનક લાંબી અને સમર્પિત સારવારનો આ કિસ્સો ગુજરાતની સરકારી હોસ્પિટલોના સારવાર સેવાના ઇતિહાસમાં પ્રથમ હશે.

હોસ્પિટલના બિછાનેથી પુષ્પાબેને હૃદયસ્પર્શી આભાર નોંધ લખી
હોસ્પિટલના બિછાનેથી પુષ્પાબેને હૃદયસ્પર્શી આભાર નોંધ લખી

ડો.જયંત ચૌહાણની ટીમની દેખરેખ હેઠળ વેન્ટિલેટર સારવાર થઇ
અહીં તેમની રેસપીરેટરી આઈ. સી. યુ.(આર.આઈ.સી.યુ.) માં ડો.જયંત ચૌહાણની ટીમની દેખરેખ હેઠળ વેન્ટિલેટર સારવાર આગળ ધપાવવામાં આવી હતી. આ ટીમના ડો.પિન્કેશ રાઠવા, ડો.પ્રિયંકા પટેલ, ડો. અસલમ ચૌહાણ અને નર્સિંગ તથા સહાયક સ્ટાફે નવજીવન આપવાના સંકલ્પ સાથે તેમની અવિરત સારવાર કરી. દર્દીનું મનોબળ વધાર્યું. તેમના બગડેલા ફેફસાં સુધારવા, નવેસરથી કાર્યરત કરવા, ફેફસાંનું બ્લડ પ્રેશર ઘટાડવા, ફાઇબ્રોસીસ નું નિવારણ કરીને તેમને પુનઃ મજબૂત અને કાર્યક્ષમ કરવા મોંઘી એન્ટીબાયોટિક દવાઓ અને ઈન્જેકશન આપ્યા.

38 વર્ષની વયના દર્દી તલાટી તરીકે સરકારના સેવક છે
આખરે તેમની જહેમત અને યમદૂતો સામે પુષ્પાબેનની મક્કમ લડત રંગ લાવી આજે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત થઈને,નવજીવન પામીને હોસ્પિટલમાં થી વિદાય થયા ત્યારે ભાવસભર વાતાવરણ સર્જાયું હતું. દર્દી અને સ્વજનોની આંખોમાં આભારના આંસુ મોતીની જેમ તગતગતા હતા, તો ડોક્ટરો અને સ્ટાફની આંખોમાં કોઈનું જીવન બચાવવાની મહેનત લેખે લાગ્યાના હર્ષની ભીનાશ હતી. ઉલ્લેખનિય છે કે, 38 વર્ષની વયના આ દર્દી તલાટી તરીકે સરકારના સેવક છે. પુષ્પાબહેનને કોરોના અને સંલગ્ન બીમારી સામે જિંદગીનો જંગ જીતાડી ટીમ સયાજી એ ફરી એકવાર સરકારી આરોગ્ય સેવાના બેમિસાલ સમર્પણની તાકાત નો દાખલો બેસાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...