ઉચ્ચ પગાર મેળવવા સીસીસીનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કરવાના બનાવમાં સયાજી હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સે આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજી નામંજૂર કરી હતી. અર્ચનાબેન દેસાઈ વર્ષ 1987માં ઝઘડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે જોડાયાં હતાં. જે બાદ 2008થી SSGમાં આસિ. નર્સ વર્ગ-3 તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ રિટાયર્ડ થતાં હોવાને કારણે ફોર્માલિટી થઈ રહી હતી ત્યારે હોસ્પિટલ વહીવટી તંત્રને જાણ થઈ હતી કે, 2013માં વહીવટી અધિકારીને તેમણે સીસીસી પરીક્ષા પાસ થયાં હોવાની સર્વિસ બુકમાં એન્ટ્રી કરવા માટે પત્ર આપ્યો હતો અને સાથે સીસીસી સર્ટિફિકેટની નકલ પણ રજૂ કરી હતી. અર્ચના દેસાઈએ 24 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા 23 જાન્યુઆરી, 2020ના રોજ અરજી આપી હતી.
જેમાં ગાંધીનગરની કચેરીએ તપાસ કરવાનું જણાવતા તપાસમાં અર્ચના દેસાઈએ રજૂ કરેલું સીસીસીનું પ્રમાણપત્ર બનાવટી હોવાનું ખુલવા પામતા આ બનાવ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં છેલ્લાં 14 વર્ષથી ફરજ બજાવતાં આસિસ્ટન્ટ 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા અને તેના એક દિવસ પહેલા જ ગુનો દાખલ થતાં આ બનાવ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસમાં અર્ચનાબહેન દેસાઇએ આગોતરા જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશ દ્વારા અરજદારની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.