કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સપ્તદિનાત્મક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કિશોર અવસ્થામાં હોર્મોન ચેન્જ થાય છે, તે નાજુક સમય છે. જેથી બાળકે માતા-પિતાથી કોઇ વાત છૂપાવવી ન જોઇએ. જ્ઞાનજીવનદાસજીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનાં સર્ટિફિકેટ અર્પણ કરાયાં હતાં.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્સંગમાં બાળકો-યુવાનોને સંબોધતાં જણાવ્યું કે, સત્સંગ જ્ઞાનયજ્ઞમાં સંતો દ્વારા વહેતી જ્ઞાનગંગાની ધારાથી ભાવિ પેઢીમાં જીવન સંસ્કારોનું સિંચન થશે. ખાસ કરીને તેમણે કિશોર અવસ્થામાં પ્રવેશતાં બાળકોને જણાવ્યું હતું કે, આ ઉંમરમાં હોર્મોન ચેન્જ થાય છે. બાળકના વિચારોમાં પરિવર્તન આવે છે. આ નાજુક અવસ્થા છે. માતા-પિતાના સંર્પકમાં રહીને કોઇ પણ વાત છુપાવવી ન જોઇએ.
ધોરણ 5થી ગ્રેજ્યુએશન સુધીનો સમયગાળો એવો છે કે જેમાં બાળકો માતા-પિતા કરતાં વધારે મિત્રોને પ્રેમ કરે છે. મિત્ર સારા છે, સંસ્કારી, સદાચારી છે તો બાળકો સારા રસ્તા જશે અને ખરાબ સંગતવાળા હશે તો ખરાબ રસ્તા પર જશે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીનાં દુષ્પરિણામોમાંથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક ખેતીને મજબૂત વિકલ્પ ગણાવી જણાવ્યું કે, રાસાયણિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા પાછળ 24 ટકાનો ફાળો રાસાયણિક ખેતીનો છે.
રાસાયણિક ખાતરો પાછળ સરકાર 1 લાખ 60 હજાર કરોડની સબસિડીનો બોજ વહન કરે છે. ત્યારે પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે. ગાયનું જતન અને સંવર્ધન થશે તેમજ ખેતી અને ખેડૂત સમૃદ્ધ થશે. આ પ્રસંગે ગત 19 ડિસેમ્બર, 2021ના રોજ કુંડળધામમાં યોજાયેલા અનેકરૂપે સ્વામિનારાયણ ભગવાનના વિશ્વ વિક્રમ સર્જક કાર્યક્રમ અંતર્ગત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડના મળેલા 3 એવોર્ડનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ હરિભક્તોની હાજરીમાં વિમોચન કર્યું હતું.
1500 કિલો વજન અને 854 પાનાંના વાંચનામૃતને ગિનીસ બુકમાં સ્થાન મળશે
સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞમાં વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મૂકાયું છે. વચનામૃતની સાઇઝ 10 બાય 7 છે. સ્ટેન્ડ સાથે તેનું વજન 1500 કિલો થાય છે. 854 પાનાં આવેલાં છે. હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા સ્મૃતિ ગ્રંથ તરીકે ગિનીસ બુકમાં સ્થાન મળશે. આ પુસ્તક લાંબા સમય સુધી ટકી રહે તે માટે ખાસ કાગળ વપરાયો છે. આ પુસ્તકને સૌરાષ્ટ્રના કુંડળધામમાં ભક્તો માટે દર્શનાર્થે મૂકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.