ભાવમાં તોતિંગ વધારો:રાજ્યનાં 14 મ્યુઝિયમની પ્રવેશ ફી 1થી 25 રૂપિયા, જ્યારે બરોડા મ્યુઝિયમની 100 રૂપિયા!

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બરોડા મ્યુઝિયમની તસવીર - Divya Bhaskar
બરોડા મ્યુઝિયમની તસવીર
  • સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને માત્ર વડોદરામાં જ કોરોના નડે છે

કોરોનાકાળમાં માર્ચ-2020થી વડોદરાનું બરોડા મ્યુઝિયમ બંધ કરાયા બાદ 1લી નવેમ્બર-2020થી ફરીથી ધમધમતું કરવામાં આવ્યું હતું, પણ ત્યારે મુલાકાતીઓ ઓછા આવશે તેવી ગણતરીએ સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બરોડા મ્યુઝિયમની પ્રવેશ ફી રૂા.10થી વધારીને અચાનક રૂા.100 કરી દીધી હતી. છેલ્લા 3 મહિનાથી વડોદરામાં કોરોનાના કેસો સાવ ઘટી ગયા છે છતાં આ ફી વધારો પાછો ખેંચાયો નથી. રાજ્યનાં 14 મ્યુઝિયમોની કુલ પ્રવેશ ફી રૂા.72, જ્યારે એકલા બરોડા મ્યુઝિયમની જ ફી રૂા.100 છે.

સરકાર હસ્તકનાં 14 મ્યુઝિયમોમાં પ્રવેશ ફી રૂા.1થી રૂા.25 સુધીની છે. ગાંધીનગરના ગાંધી કુટિર સંગ્રહાલયમાં રૂા.10 ફી છે. જ્યારે ભૂજના કચ્છ સંગ્રહાલય, વોટ્સન સંગ્રહાલય, રાજકોટ અને જૂનાગઢના સંગ્રહાલયની રૂા.5-5 પ્રવેશ ફી છે. સરકારી મંત્રાલયને જાણે વડોદરામાં જ કોરોના નડ્યો હોય તેમ બરોડા મ્યુઝિયમની જ પ્રવેશ ફીમાં ઝીંકેલો 10 ગણો વધારો યથાવત્ રાખ્યો છે.

મહારાજા સયાજીરાવે લોકોને જ્ઞાન, મનોરંજન અને શિક્ષણ મફત આપ્યું હતું, પણ હાલમાં સરકારના મંત્રાલય દ્વારા ફી વધારો રદ ન કરીને બરોડા મ્યુઝિયમને નફાખોરીનું માધ્યમ બનાવી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ વિશે રાજ્ય મ્યુઝિયમ ડાયરેક્ટર પંકજ શર્માએ જણાવ્યું કે, ‘હાલમાં હું ગુજરાત બહાર રજા પર છું, આવતા અઠવાડિયે પરત આવીને હું આ અંગે ઉચ્ચ અધિકારીઓને વાત કરીશ.’

કયા મ્યુઝિયમમાં કેટલી પ્રવેશ ફી?

રૂ. 1 પ્રવેશ ફી - સાપુતારા અને છોટાઉદેપુર

રૂ. 5 પ્રવેશ ફી - કચ્છ સંગ્રહાલય (ભૂજ), વોટ્સન સંગ્રહાલય (રાજકોટ), જૂનાગઢ સંગ્રહાલય (સરદાર બાગ), બાર્ટન સંગ્રહાલય (જૂનાગઢ), લેડી વિલ્સન સંગ્રહાલય (ધરમપુર), સરદાર પટેલ સંગ્રહાલય (બારડોલી), પાટણ સંગ્રહાલય, શામળાજી સંગ્રહાલય, ગાંધી સ્મૃતિ સંગ્રહાલય (પોરબંદર)

રૂ.25 પ્રવેશ ફી - પુરાતત્વીય સંગ્રહાલય (ભાવનગર)

રૂ. 100ની પ્રવેશ - બરોડા મ્યુઝિયમ (વડોદરા)

પ્રભાસ પાટણનું મ્યુઝિયમ બંધ કરવામાં આવ્યું છે. જ્યારે વડનગર સંગ્રહાલય પણ બંધ છે, જેની કલાકૃતિઓને હાલમાં સિદ્ધપુર મ્યુઝિયમ ખાતે શિફ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ મ્યુઝિયમોની પણ પ્રવેશ ફી માત્ર રૂા.5 જ હતી.

4 મહિનાથી ઉચ્ચ અધિકારીઓ નિર્ણય લેતા નથી
આ વર્ષે 24મી જુલાઇએ જયા પાર્વતીના વ્રતના ટાણે પ્રવેશ ફી વધુ હોવાથી મહિલાઓ અને બાળકો મ્યુઝિયમ જોયા વિના પરત જવા મજબૂર બન્યા હતાં. તે વખતે મ્યુઝિયમ ડાયરેક્ટર પંકજ શર્માએ જણાવ્યું હતું કે, તેમને આ વાત ધ્યાનમાં છે અને ઉચ્ચ અધિકારીઓને આ વાત કરશે. જેને 4 મહિના થવા આવશે છતાં નિર્ણય લેવાયો નથી.

અન્ય સમાચારો પણ છે...