બાળકોને પોષિત કરવા અભિયાન:વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકભાગીદારીથી કુપોષિત બાળકોને શુદ્ધ ઘીની સુખડી આપી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘી, ગોળ, ઘઉંનો લોટ અને મગફળીથી સુખડી બનાવવામાં આવે છે
  • 9735 બાળકોને લક્ષ્યમાં રાખી સુખડી આપવાનું શરૂ

લિજ્જતદાર સુખડી વડોદરા જિલ્લાના કુપોષિત બાળકોને પૂરક આહાર તરીકે આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકભાગીદારીથી કુપોષિત બાળકોને શુદ્ધ ઘીની સુખડી પૂરક આહાર આપી તેને સુપોષિત કરવાનું અભિયાન છેડવામાં આવ્યું છે. કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, વડોદરા જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં કુલ 93197 બાળકો પ્રિસ્કૂલિંગ કરી રહ્યા છે. તે પૈકી 1788 બાળકો અતિકુપોષિત જણાયા છે. સામાન્ય બાળકોની સાપેક્ષે જેનું પ્રમાણ 1.92 ટકા જેટલું છે. જ્યારે 7947 બાળકો પીળા રંગમાં વર્ગિકૃત કરવામાં આવ્યા છે. એટલે કે, આ બાળકોને પણ પૂરક પોષણની જરૂર છે. આથી 9735 બાળકોને લક્ષ્યમાં રાખીને તેને પૂરક આહાર તરીકે શુદ્ધ ઘીમાં બનાવેલી સુખડી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોનો સહયોગ પણ મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપતા ટેક હોમ રાશન ઉપરાંતની આ સુખડી આપવામાં આવી રહી છે. આ સુખડી બનાવવાની કામગીરી પ્રસિદ્ધ સંસ્થા અક્ષયપાત્રને સોંપવામાં આવ્યું છે.

બાળકો સુખડી હોંશેહોંશે આરોગી રહ્યા છે
અક્ષયપાત્ર દ્વારા બનાવેલી સુખડી આપણા ઘરે પણ ન બને એવી છે. ઘી, ગોળ, ઘઉંનો લોટ અને મગફળીથી આ સુખડી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ કુશળ ગૃહિણીના હાથે બની હોઇ એવો જ છે. એટલે બાળકો પણ આ સુખડી હોંશેહોંશે આરોગી રહ્યા છે. આ સુખડી લક્ષ્યાંકિત બાળકોના ઘરે જ આપવાની અથવા તો નિદર્શન ભોજન દરમિયાન આપવાની એવી સૂચના કલેક્ટર ગોરે સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના અધિકારીઓને આપી છે.

એક રાઉન્ડમાં 500 કિલો જેટલી સુખડી બનાવવામાં આવે છે
એક સપ્તાહમાં ત્રણ વખત આ સુખડી આપવામાં આવી રહી છે. એટલે કે એક વીકમાં એક બાળકને દોઢસોથી બસ્સો ગ્રામ સુખડી પૂરક આહાર તરીકે મળી રહે છે. આ સુખડી બાળકને જમવા સાથે ખવડાવવામાં આવે છે. અક્ષયપાત્ર દ્વારા એક રાઉન્ડમાં 500 કિલો જેટલી સુખડી બનાવવામાં આવે છે. જેનું વિતરણ જિલ્લા વહીવટી તંત્ર સાથે સહયોગમાં રહી આંગણવાડીઓમાં કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા પાંચ રાઉન્ડ સુખડી વિતરિત થઇ ગયા છે. એટલે કે 2500 કિલોગ્રામ સુખડી પૂરક આહાર તરીકે બાળકોને આપવામાં આવી છે. પ્રત્યેક બાળક તંદુરસ્ત બને તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંકલ્પનાને સાકાર કરવા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભાયેલા આ અભિયાનમાં લોકભાગીદારી પણ સારી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...