તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Additional Construction Of Mosque In Makarpura GIDC Demolished, System Run After Outrage Of 6 BJP Corporators For Demolishing Temples

વડોદરા પાલિકા એક્શનમાં:મકરપુરા GIDCમાં મસ્જિદનું વધારાનું બાંધકામ તોડી પડાયું, માત્ર મંદિરો તોડતા હોવાના ભાજપના 6 કોર્પોરેટરના આક્રોશ બાદ તંત્ર દોડ્યું

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિવાદનાં એંધાણ થતાં મસ્જિદનું બાંધકામ તોડી પડાયું - Divya Bhaskar
વિવાદનાં એંધાણ થતાં મસ્જિદનું બાંધકામ તોડી પડાયું
  • પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી,વિવાદ વકરે તેમ લાગતાં મસ્જિદના કર્તાહર્તાઓએ જ બાંધકામ દૂર કર્યું

શહેરમાં મંદિર તોડવામાં પાલિકાનું તંત્ર ઉતાવળું બની જતું હોય છે, પરંતુ મસ્જિદના બાંધકામ મામલે ફરિયાદ બાદ પણ તંત્ર ગંભીરતા લઈ રહ્યું નથી. દક્ષિણ વિસ્તારમાં એક મસ્જિદના બાંધકામ અંગે ખુદ ભાજપના કોર્પોરેટરે અવાજ ઉઠાવીને ફરિયાદ કરી હોવા છતાં કોઇ નક્કર કામ થયું ન હતું અને ઊલટાનું વધારાનું બાંધકામ થયું હતું. જોકે આ કોર્પોરેટરે ફરી એક વખત તંત્રના કાન આમળતાં આખરે અધિકારીઓ દોડતા થયા હતા અને લાલ આંખ કરતાં મસ્જિદનું વધારાનું બાંધકામ જાતે તોડી પાડ્યું હતું.

ભાજપના કોર્પોરેટરે રોષ નોંધાવ્યો હતો
સમા, સુરસાગર, દાંડિયા બજાર જેવા વિસ્તારમાં કેટલાંક મંદિરના બાંધકામને ગેરકાયદે ગણી તોડી નખાયાં હતાં. એટલું જ નહીં નરહરિ હોસ્પિટલ પાસે બની રહેલા બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવનમાં નડતરરૂપ અંબા માતાનું મંદિર કલેક્ટર કચેરીની સૂચનાથી પાલિકાએ તોડી પાડ્યું હતું. આ મામલે પાલિકાની ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં મળેલી સભામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ તોડફોડ સામે વિરોધ નોંધાવ્યો હતો.

આજે સભામાં સ્થાયી સમિતિના સભ્ય અને ભાજપના સિનિયર કોર્પોરેટર નિલેશ રાઠોડે મકરપુરા જીઆઈડીસીમાં મસ્જિદ બની છે અને તેનું બાંધકામ કેવી રીતે કર્યું અને પરવાનગી અપાઇ છે એવો સવાલ ઉઠાવ્યો હતો. આ મસ્જિદમાં જો પરવાનગી વગર બાંધકામ કરાયું હોય તો તેની સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી. આ ટાણે મેયરે મસ્જિદની સ્થળ મુલાકાત કરાશે તેવી હૈયાધારણા આપી મામલો થાળે પાડ્યો હતો.

ભાજપના કોર્પોરેટરની રજૂઆત બાદ પણ મકરપુરા જીઆઈડીસીમાં બની રહેલી મસ્જિદના બાંધકામની કાયદેસરતા તપાસવાની તસ્દી લેવાઈ ન હતી અને આ સંજોગોમાં નિલેશ રાઠોડે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે વધારાનું બાંધકામ થતું હોવાનું નજરે પડતાં ચોંકી ઊઠ્યા હતા. આ કોર્પોરેટરે બાંધકામ પરવાનગી વિભાગમાં ફરિયાદ કરી હતી અને તપાસ કરવાની માગ કરી હતી. જેથી આ વિભાગના ઇન્સ્પેક્ટર સહિતની ટીમ સ્થળ પર ગઈ હતી અને વધારાના બાંધકામ અંગે પરવાનગી છે કે કેમ તેની પ્રશ્નોત્તરી કરી હતી અને બાંધકામ તોડી નાખવામાં આવશે તેવો હુંકાર કર્યો હતો. જોકે આ વિવાદ વધુ વકરે તેવું લાગતા મસ્જિદમાં હાજર સંબંધિત કર્તાહર્તાઓએ જાતે ચણતર અને જાળી દૂર કરાવી હતી.

હજી મસ્જિદ કેટલી જૂની છે તેની તપાસ કરી નથી
મકરપુરા જીઆઇડીસીમાં બનેલી મસ્જિદ કેટલી જૂની છે તે અંગે તપાસ કરવાની દરકાર પાલિકાના તંત્ર દ્વારા લેવામાં આવી નથી.આ મસ્જિદ રોડ લાઈનમાં નડતરરૂપ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પણ તેમાં તેની બાંધકામ પરવાનગી અંગે દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી નથી. આ મામલે કોર્પોરેટરે માગ કરી છે પણ તેમને હજી કોઈ જાણ સુધ્ધા કરવામાં આવી નથી.

વિવાદનાં એંધાણ થતાં મસ્જિદનું બાંધકામ તોડી પડાયું
મકરપુરા જીઆઈડીસી રોડ પર મસ્જિદમાં વધારાના બાંધકામની પરવાનગીનો પ્રશ્ન ઊભો થતાં વિવાદ સર્જાયો હતો અને ભાજપના સ્થાનિક કોર્પોરેટરે ફરિયાદ કરતાં વધારાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

પાલિકાની સભામાં મુદ્દો ઉઠાવાયા બાદ હજી તાંદળજાનો વિવાદ ઉકેલાયો નથી
ભાજપના પશ્ચિમ વિસ્તારના સિનિયર કોર્પોરેટર નિતીન ડોંગાએ તાંદલજા વિસ્તારમાં બની રહેલી મસ્જિદના બાંધકામ સામે પાલિકાની સભામાં અવાજ ઉઠાવ્યો હતો અને પાલિકાના અધિકારીઓ મહમદ ગઝનવીના વારસદારની જેમ વર્તે છે તેવો ખુલ્લો આક્ષેપ પણ કર્યો હતો. પાલિકાની સભામાં થયેલી રજૂઆત બાદ પણ તાંદળજાની મસ્જિદના બાંધકામ અંગે કોઈ તથ્ય પ્રકાશમાં આવ્યું નથી અને પોલીસ બંદોબસ્તની રાહ જોઈ રહ્યા છે તેવી રેકર્ડ તંત્ર દ્વારા વગાડવામાં આવી રહી છે.

મસ્જિદવાળી જગ્યા કોની છે તે પણ સવાલ
પાલિકાની સભામાં મારી રજૂઆત એવી હતી કે આ મસ્જિદ જૂની હોય તો કેટલી જૂની છે અને તેના માટે પરવાનગી લેવાઈ છે કે કેમ? મકરપુરા જીઆઇડીસી રોડ પર ગોડાઉન આવેલું છે અને તેની નજીક આ મસ્જિદ બનેલી છે પણ તે જગ્યા કોની તે પણ એક સવાલ છે. મારી રજૂઆત બાદ પણ કોઇ કાર્યવાહી થઇ ન હતી અને હું જ્યારે કોઈ કામ માટે જીઆઇડીસીમાં ગયો હતો.

ત્યારે મારી નજર આ મસ્જિદમાં થયેલા વધારાના બાંધકામ પડી અને રીતસર સ્તબ્ધ પણ થઈ ગયો હતો. જેથી મેં બાંધકામ પરવાનગીના વડા અધિકારીને ફરિયાદ કરી અને ત્યારબાદ વિભાગની ટીમ મસ્જિદમાં ગઈ હતી અને તોડવાની ચેતવણી આપી હતી.”- નિલેશ રાઠોડ, કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય

અન્ય સમાચારો પણ છે...