હવે વિરોધ કરવો એ પણ ગુનો!:બિસ્માર રસ્તા મુદ્દે દેખાવ કરતા 2 સામે કાર્યવાહી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાંદલજામાં ખાડામાં કમળના ફોટા મૂકી વિરોધ કરાયો હતો
  • જેપી રોડ પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો

તાંદલજામાં રસ્તાની બિસ્માર હાલતથી પરેશાન સ્થાનિકોએ કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 4 વર્ષ અગાઉ બનેલા રોડ પર પડેલા ખાડાને કારણે અકસ્માતોની સંખ્યા વધતાં પાણી ભરેલા ખાડાઓમાં કમળના ફોટા મૂકી આક્રોશ ઠાલવ્યો હતો. જેના સંબંધમાં જે.પી.રોડ પોલીસે બે જણ સામે ગુનો દાખલ કર્યો હતો.જે.પી.રોડ પોલીસ મુજબ વિરોધ પ્રદર્શનના સંબંધમાં વસીમ શેખ અને અશ્ફાક મલેક (બંને તાંદલજા) સામે ગુનો દાખલ કરાયો છે.

બંનેએ કોઈ પરવાનગી વિના રોડ પર 10થી 12 જણનું ટોળું ભેગું કરી પ્રદર્શન કર્યું હતું. જેથી શહેર પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે જણાવ્યું કે ‘પ્રદર્શન થયું 12 વાગે પણ પોલીસને એક વાગે ખબર પડી હતી. ઉલ્લેખનીય છે કે, તાંદલજામાં સન ફાર્મા મહારાજા ચોકડીથી કિસ્મત ચોકડી સુધી વાસણા રોડને જોડતો રોડ વર્ષ 2018માં બનાવાયો હતો. માત્ર 4 વર્ષમાં આ રોડ એક તરફથી બિસ્માર થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. રોડ પર મસમોટા ખાડા પડતાં અનેક અકસ્માતો થયા છે.

જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્થાનિકો સાથે મળી વિરોધ કર્યો હતો. જેમાં પાણીથી ભરેલા ખાડાઓમાં ભાજપના ફોટા નાખી આક્રોશ કાલ આવ્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્ફાક મલેકે જણાવ્યું કે, ભાજપના નેતાઓ અને કોન્ટ્રાક્ટરે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. 4 વર્ષમાં જ આ રોડ ખખડધજ બનતા તેના કારણે અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.

પ્રદર્શન કરનારાની શોધખોળ જારી
શનિવારે રસ્તા પર પડી ગયેલા ખાડાઓને લઇને તાંદલજામાં દેખાવો સાથે પ્રદર્શન કરાયું હતું, જેમાં દેખાવોમાં જોડાયેલા લોકોના નામ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. પોલીસે બે જણાં સામે ગુનો દાખલ કર્યો છે, પરંતુ તેમની સાથે જાેડાયેલા લોકોના નામો મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કમિશનરના જાહેરનામાના ભંગ બદલ જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...