ટ્રાફિક વિભાગે ક્રેનથી જપ્ત કરાયેલા વાહનો પૈકી કેટલાક વાહન ચાલકો પાસેથી પાવતી વગર રોકડ રકમ લઈ ભ્રષ્ટાચાર કરાતો હોવાના દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપેશન બાદ ઉચ્ચ અધિકારીએ તપાસની સુચના આપી છે. સત્તાવાર રીતે સ્ટિંગ ઓપરેશનના વિડિયો ફૂટેજ મેળવી ડીસીપી જુલી કોઠિયાએ એસીપી કટારીયાને તપાસ સોંપી છે.એસીપી કટારીયાએ જણાવ્યું કે વીડિયોને ધ્યાનપૂર્વક જોઈને ગેરરીતિ કરનારા ટ્રાફિક કે ક્રેનના કર્મચારીને શોધી કાઢી કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ નો પાર્કિંગમાંથી વાહનો જપ્ત કરતા સમયે વિડિયો ગ્રાફી થતી હતી.
તેને પણ પુનઃ શરૂ કરવાની વિચારણા કરાઇ રહી છે. ટ્રાફિક ડીસીપીનો ચાર્જ ધરાવતા ઝોન-1ના જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે, પ્રજાને વાહન ચલાવતા સમયે ટ્રાફિકમાં અડચણ ના થાય એવા પ્રયત્નો પોલીસના રહે છે. એમાં કેટલાક તત્વોની ગેરરીતિને કારણે આખો વિભાગ બદનામ થાય છે.
દિવ્યભાસ્કર પાસેથી સત્તાવાર રીતે વિડિયો મેળવ્યા બાદ આવા તત્વોને શોધી કડક શિક્ષા આપવાના આદેશ આપવામાં આવ્યા છે.વાહન ચાલકોના ધ્યાન ઉપર ટ્રાફિક પોલીસની કોઈ ગેરકાયદેસર કાર્યવાહી આવે તો ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ અથવા આવા લોકો અંગે પોલીસ કંટ્રોલને જાણકારી આપવા માટે ડીસીપીએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.