તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી ફરાર:વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર, પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી

વડોદરા2 મહિનો પહેલા
પોલીસને મોડી સાંજ સુધી ફરાર થઇ ગયેલા આરોપીના કોઇ સગડ મળ્યા ન હતા
  • સુરતના પાસના આરોપીને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ કેરમાં સારવાર લઇ રહેલો પાસાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે. જોકે, પોલીસને મોડી સાંજ સુધી ફરાર થઇ ગયેલા આરોપીના કોઇ સગડ મળ્યા ન હતા.

પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે દોડધામ કરી મૂકી
સુરતના મનીસિંહ કેસરીસિંહ નામના આરોપીને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં દિવસો પસાર કરી રહેલા આરોપી મનિસિંહ કોરોના સંક્રમિત થતાં સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઇ રહેલ આ આરોપી તક મળતા જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે દોડધામ કરી મૂકી હતી.

મોડી સાંજ સુધી આરોપીના કોઇ સગડ મળ્યા નહીં
એવી પણ માહિતી મળી હતી કે, પાસાનો આરોપી મનીસિંહ કેસરીસિંહ ફરાર થઇ ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા તેને ઝડપી પાડવા માટે તપાસ પણ કરી હતી, પરંતુ, ફરાર થઇ ગયેલો આરોપી હાથ ન લાગતા આખરે રાવપુરા પોલીસ મથકમાં આરોપી ફરાર થઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ એક્શનમાં આવેલી રાવપુરા પોલીસે હોસ્પિટલમાંથી CCTV ફૂટેજ મેળવીને તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે, મોડી સાંજ સુધી આરોપીના કોઇ સગડ મળ્યા ન હતા.

પોલીસે પાસાના આરોપી મનીસિંહ કેસરીસિંહ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી
ઉલ્લેખનિય છે કે, સયાજી હોસ્પિટલ આરોપીઓને ફરાર થવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. સયાજી હોસ્પિટલમાંથી અગાઉ પણ અનેક આરોપીઓ ફરાર થવાની ઘટનાઓ બની છે. આમ છતાં, પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ ફરાર ન થઇ જાય તે માટે કોઇ પગલાં ભરવામાં આવતા નથી. આજે વધુ એક પાસાનો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. બીજી બાજુ પોલીસે ફરાર થઇ ગયેલા પાસાના આરોપી મનીસિંહ કેસરીસિંહ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો
આ સાથે રાવપુરા પોલીસે ફરાર થઇ ગયેલા આરોપી મનીસિંહના જાપ્તામાં રહેલી પોલીસની પણ ફરાર થઇ ગયેલા આરોપી અંગે પૂછપરછ હાથ ધરી છે. આ બનાવે સયાજી હોસ્પિટલમાં પણ ભારે ચકચાર જગાવી મૂકી છે. હાલ રાવપુરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...