• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accused Raju Bhatt Writes Letter To Pavagadh Temple Trust And Resigns As Secretary, Resignation Accepted At Board Of Trustees Meeting

વડોદરા દુષ્કર્મ કેસ:આરોપી રાજુ ભટ્ટે પાવાગઢ મંદિર ટ્રસ્ટને પત્ર લખી સેક્રેટરી પદેથી રાજીનામુ આપ્યું, ટ્રસ્ટી મંડળની બેઠકમાં રાજીનામુ સ્વીકારવામાં આવ્યું

વડોદરા2 મહિનો પહેલા
પાવાગઢ મંદિર ટ્રસ્ટને પત્ર લખીને રાજુ ભટ્ટે સેક્રેટરી પદ પરથી રાજીનામુ આપ્યું હતું
  • રાજુ ભટ્ટને સેક્રેટરી પદેથી મુક્ત કર્યાં છે, જ્યારે ગુનો સાબિત થશે, ત્યારે ટ્રસ્ટી પદેથી મુક્ત કરીશું: સુરેન્દ્ર પટેલ

પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં વડોદરામાં કોલેજીયન યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટને પત્ર લખીને રાજુ ભટ્ટે સેક્રેટરી પદ પરથી રાજીનામુ આપ્યું હતું. મંદિર ટ્રસ્ટની બેઠકમાં રાજુ ભટ્ટનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું હતું.

રાજુભાઇને સેક્રેટરી પદેથી મુક્ત કર્યાં
બેઠક બાદ પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રીના સંદર્ભે આજની મિટીંગ બોલાવી હતી. જોકે, મિટીંગમાં ટ્રસ્ટના સેક્રેટરી રાજુભાઇ સામે જે ફરિયાદ થઇ છે, તે સંદર્ભે પણ ચર્ચા થઇ હતી. રાજુભાઇએ પત્ર લખીને ટ્રસ્ટની કામગીરીથી અળગા રહેવાનો અને સેક્રેટરી પદમાંથી મુક્ત કરીને બીજા કોઇને સેક્રેટરીની જવાબદારી સોંપવાની વાત કરી છે. જેથી અમે આજની બેઠકમાં ચર્ચા કરીને રાજુભાઇને સેક્રેટરી પદેથી મુક્ત કરીને બીજા વ્યક્તિને જવાબદારી આપી છે. હાલ તેઓને સેક્રેટરી પદેથી મુક્ત કર્યાં છે. પણ ગુનો સાબિત થશે, ત્યારે ટ્રસ્ટી પદેથી મુક્ત કરીશું.

પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી
પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી

નવરાત્રી અને વિકાસ કામો અંગે બેઠકમાં ચર્ચા થઇ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી આસો નવરાત્રી અને મંદિર વિકાસના કામોનો વિકાસ અંગે પણ આજની મિટીંગમાં ચર્ચા થઇ હતી અને તે અંગેના જરૂરી ઠરાવ કર છે.

દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાઇરલ કર્યા હતા
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી શહેરના સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન(ફાઇલ તસવીર)
દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન(ફાઇલ તસવીર)

આરોપીએ જ યુવતીને ફ્લેટ ભાડેથી આપ્યો હતો
વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને મુળ હરિયાણાના રોહતકમાં રહેતી યુવતી શહેરની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તેણે ગોત્રી પોલીસમાં અશોક જૈન (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા, વડોદરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ (રહે, અલકાપુરી) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેનો એલએલબીનો પહેલા વર્ષનો અભ્યાસ પુરો થયા બાદ લાયઝનીંગની ટ્રેનીગં લેવા માટે તે રેસકોર્સ ચકલી સર્કલ પાસે મેન લેન્ડ ચાઇના બિલ્ડીંગમાં આવેલી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેકટનું છેલ્લા 5 માસથી કામ કરે છે. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ આપેલો છે.

મિટીંગ માટે યુવતીને ગેસ્ટ હાઉસમાં લઇ ગયા
વડોદરાના આજવા રોડ પર સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન અંગેની મીટિંગો ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ અને અશોક જૈન સાથે ચાલતી હતી. એક માસ પહેલાં અશોક જૈન તેના ફ્લેટ નીચે આવી ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરવાની હોવાનું જણાવી તેમની મર્સિડીઝમાં બેસાડી વાસણા રોડ પર હેલીગ્રીનમાં સાતમા માળે ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા, જયાં રાજુ ભટ્ટ પહેલેથી બેઠેલો હતો. તેમની સાથે તેમણે મીટિંગ કરી હતી અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન સેબીમાંથી કેવી રીતે ફ્રી કરવાની છે એની ચર્ચા થઇ હતી. એ સમયે અશોક જૈન રસોડામાં જઇને તેમના બે માટે પ્લાસ્ટિકના ગ્લાસમાં પેપ્સી લઇને આવ્યા હતા, જે તેણે ચાલુ મીટિંગમાં પીધી હતી, ત્યાર બાદ રાજુ ભટ્ટ નીકળી ગયો હતો.

પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા પહોંચેલી પીડિત વિદ્યાર્થિની
પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા પહોંચેલી પીડિત વિદ્યાર્થિની

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે યુવતી પર દુષ્કર્મ આચર્યુ
પેપ્સી પીધા બાદ યુવતીનું માથુ ભારે લાગ્યું હતું અને અશોક જૈને કપડાં ઉતારી અડપલા કર્યાં હતા અને યુવતીના કપડાં પણ ઉતારવા લાગ્યા હતા. જેથી યુવતી ભાગી હતી ત્યારે અશોકે કપડા પહેરી લે તેમ કહી આજ પછી નહીં કરું તેમ જણાવી તેને ગાડીમાં બેસાડીને ફ્લેટમાં મૂકી ગયા હતા. ત્યારબાદ અશોક જૈને સહારાની ડીલ માટે યુવતીને ઓફિસમાં બોલાવી હતી તેમ કહી લાલચ આપી હતી. બે ત્રણ દિવસ પછી અશોક જૈન ફરી યુવતીના ફ્લેટ પર જઇ તેના વાળ પકડી બેડરૂમમાં લઇ ગયો હતો અને માર મારી કપડાં ફાડી નાખી દુષ્કર્મ કર્યું હતું અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટને પણ ખુશ કરવા જણાવ્યું હતું.

પાવાગઢના ટ્રસ્ટીએ પણ દુષ્કર્મ આચર્યુ
ત્યારબાદ બીજા દિવસે રાજુ ભટ્ટ પણ તેના ઘેર ગયા અને યુવતીને ધક્કો મારી ટીવી ફેંક્યુ હતું અને બેડરૂમમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું અને ધમકી આપી હતી કે રેકોર્ડિગ કર્યું છે તે વાઇરલ કરીને બદનામ કરી દઇશ. યુવતીના ન્યુડ ફોટા પણ યુવતીના મિત્રને મોકલી વાઇરલ કર્યાં હતા. પોલીસે સીએ અશોક જૈન અને પાવાગઢ મંદીરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ ગુનો નોંધી તપાસ આદરી હતી. યુવતીએ પોલીસ સમક્ષ આરોપોની વણઝાર લગાવી હતી કે, તેણે તેના ઘેર જઇ તપાસ કરતાં એસીના પ્લગની બાજુમાં સ્પાય કેમેરો લગાવેલો જોવા મળ્યો હતો, જે તેણે કાઢી નાખ્યો હતો.

આરોપી અશોક જૈન(ફાઇલ તસવીર)
આરોપી અશોક જૈન(ફાઇલ તસવીર)

ફોટા વાઇરલ કર્યા એ ભૂલ, લેવડ દેવડ કરીને પૂરું કર
પીડિતા 15 સપ્ટેમ્બરે થોડો ઘણો સામાન પેક કરી દિલ્હી ખાતે ટ્રેનમાં જવા નીકળી હતી. ત્યારે રસ્તામાં યુવતી પર અશોક જૈને ફોન કરી તું ત્યાંથી સામાન લઈને જતી રહેલી છે તેમ પૂછતાં યુવતીએ થોડો સામાન પડ્યો છે, એમ જણાવ્યું હતું. ત્યાર બાદ યુવતી દિલ્હી ગઇ ત્યારે ફરીથી અશોક જૈને ફોન કરી જણાવ્યું હતું કે મે તારા મિત્રને ફોટાઓ વાઇરલ કર્યા છે એ ભૂલ થઈ ગઈ છે અને જે કંઈપણ હોય એ લેવડ-દેવડ કરી પૂરું કર, એમ જણાવી ફોન કાપી નાખ્યો હતો.

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)