છેતરપિંડીનું વિદેશ કનેક્શન:માલદિવ્સની ટૂરના નામે વડોદરાના બે લોકો સાથે સવા પાંચ લાખ રૂપિયાની ઠગાઇના કેસમાં આરોપી ઝડપાયો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અમરસિંહ મંગળદાસ રાવળ - Divya Bhaskar
આરોપી અમરસિંહ મંગળદાસ રાવળ
  • સમગ્ર ઠગાઇનું નેટવર્ક થાઇલેન્ડથી ઓપરેટ થાય છે

વડોદરા શહેરના બે લોકો સાથે માલદિવ્સની ટૂર માટે હોટલ અને ફ્લાઇટ બુકિંગના નામે સવા પાંચ લાખની ઓનલાઇન છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઇ છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એક સ્થાનિક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે ઠગાઇનું સમગ્ર નેટવર્ક થાઇલેન્ડથી ઓપરેટ થાય છે જે અંગ તપાસ જારી છે.

વડોદરા પોલીસે માલદિવના ટૂરના નામે છેતરપિંડી કરવાના કેસમાં એક આરોપી અમરસિંહ મંગળદાસ રાવળ (મૂળ રહે. કૈલાશઢાબા, ભરૂચ)ને ઝડપી લીધો છે. આરોપી અમરસિંહને થાઇલેન્ડના પટાયાથી ડિપાર્ટ કરવામાં આવ્યો હતો. અમરસિંહ આ કૌભાંડમાં માલદિવ અને દુબઇ ખાતે હોલીડે પેકેજીસ આપવા અન્ય ખોટા નામના મોબાઇલ નંબર અને ખોટા બેંક એકાઉન્ટ થાઇલેન્ડ ખાતે મોકલતો હતો અને આ ફ્રોડનું હેન્ડલીંગ થાઇલેન્ડ ખાતેથી ઓપરેટ થતું હતું.

વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વશિષ્ઠ મહેન્દ્રભાઇ ઉપાધ્યાયે પરિવાર સાથે માલદીવ જવાનું આયોજન કર્યું હતું. જેથી ત્યાં હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવા તેમણે ગુગલ પર માલદિવ પેકેજિસ સર્ચ કરતા એક વેબસાઇટની લિંક પર ક્લિક કર્યું હતું. જેમાં હોટલ બુકિંગ માટે એક મોબાઇલ નંબર આપેલ હતો તેના પર કોલ કર્યો હતો. જેથી ફોન પર વાત કરનારે પોતાનું નામ આદિત્ય જૈન હોવાનુ જણાવ્યું હતું અને હોટલ હાર્ડ રૉકનું પેકેજ આપવાની વાત કરી હતી. સાથે જ તેણે વોટ્સએપ પર છ વ્યક્તિના માલદિવના ટૂર પેકેજનો ખર્ચ 5 લાખ 10 હજાર હોવાનું ઇનવોઇસ પણ મોકલી આપ્યું હતું. આ ટૂર પેકેજને પસંદ આવતા ગત માર્ચ મહિનામાં વશિષ્ઠ ઉપાધ્યાયે હોટલ બુકિંગ કન્ફર્મ કરાવવા એડવાન્સ પેમેન્ટ દોઢ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી ચુકવ્યા હતા.

ટિકિટ ન આવતા છતરપિંડી થઈ હોવાની જાણ થઈ
ત્યાર બાદ ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ કરાવવા ફરી આદિત્ય જૈને એક લાખ રૂપિયાની માંગણી કરતા વશિષ્ઠ ઉપાધ્યાયે ફરી આ રકમ ઓનલાઇન ચુકવી હતી. પરંતુ ત્યારબાદ પણ ટિકિટ આવી ન હતી અને બાકીના પેમેન્ટ માટે આદિત્ય જૈને કોલ કરતો પણ ટિકિટ મોકલાવી ન હતી. જ્યાર બાદ આદિત્ય જૈને ફોન પણ સ્વીચઓફ કરી દીધો હતો. જેથી પોતે અઢી લાખમાં છેતરાયા હોવાનું જણાતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

એ જ નંબરથી વડોદરાના અન્ય એક પણ છેતરાયા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા હસમુખભાઇ ભગાભાઇ પ્રજાપતિ પણ માલદિવનું ટૂર પેકેજ ગુગલ પર સર્ચ કરતા તેમણે એક વેબસાઇટની લિંક પર ક્લિક કર્યું હતું. જેના પર આપેલ નંબર પર સંપર્ક કરતા આદિત્ય જૈન નામના વ્યક્તિએ હોટલ અને ટિકિટ બુકિંગ માટે 2 લાખ 76 હજાર 400 રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી ચુકવ્યા હતા. પરંતુ તેમને પણ બાદમાં જાણ થઇ કે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. આમ વડોદરાના બે નાગરિકો વિદેશ ટૂર અંગે ગુગલ સર્ચમાંથી મળેલ લિંક પરના નંબર પર વાત કરી 5 લાખ 26 હજાર 400 રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...