કોર્ટનો આદેશ:સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુષ્કર્મ આચરતાં સગીરાને 2 માસનો ગર્ભ રહી ગયો હતો
  • પીડિતાને રૂા.7 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો આદેશ

કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા શખ્સને પોક્સો એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવી ન્યાયાધીશે આરોપીને 14 વર્ષની સખ્ત કેદનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ભોગ બનનારી કિશોરીને વળતર પેટે રૂા.7 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ગોવિંદ ગબ્બુપ્રસાદ પાસવાન (રહે.મુજમહુડા) નામના શખ્સે 16 વર્ષની સગીરાને ઘરે બોલાવી તેની સાથે 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. તેણે આ વાત કોઇને કહીશ તો તને તેમજ તારાં માતા-પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન સગીરાને પેટમાં દુખાવો થતાં તેને દવાખાને તપાસ માટે લઇ જવામાં આવી હતી. જયાં તબીબી તપાસ બાદ તેને 2 માસનો ગર્ભ હોવાની વિગતો સપાટી પર આવી હતી.

કિશોરીની માતાએ સમજાવટથી પૂછપરછ કરતાં તેણે પડોશમાં રહેતા ગોવિંદ પાસવાન નામના શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ બનાવ અંગે ફરિયાદ આપવામાં આવતાં પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ એન.યુ.મકવાણા હાજર રહ્યા હતા. ન્યાયાધીશે આ કેસમાં આરોપી ગોવિંદ પાસવાનને પોક્સો એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવી 14 વર્ષની સખ્ત કેદ અને વળતર પેટે રૂા.7 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...