વડોદરાના સયાજીગંજ વિસ્તારની એક હોટલમાંથી છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગયેલા શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણીને શોધવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તેના સાગરીતો સુધી પહોંચી રહી છે. જેમાં નકલી ચલણી નોટો અને દારૂના સહિત 10 કેસમાં ફરાર દિપક શર્માને વડોદરાથી ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપી ખોડિયારનગરથી ઝડપાયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર વી.બી.આલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, એન્થોનીનો સાગરીત ખોડિયાનગર પાસે સયાજીપાર્ક ખાતે હાજર છે. જેના આધારે દરોડો પાડી દિપક ઉર્ફે બંટી નંદકિશોર શર્મા (રહે. મોતીભાઇ પાર્ક સોસાયટી, ખોડિયારનગર, ન્યૂવીઆઇપી રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી.
રાજકોટ, મુંબઇ, આણંદ સહિત 10 ગુનામાં સામેલ
ઉલ્લેખનીય છે કે, દિપક ઉર્ફે બંટી શર્મા એન્થોની સાથે છોટાઉદેરપુરના પાનવડમાં વેપારી પાસેથી ભૂંસુ ખરીદી 5 લાખ 40 હજારની 500ના દરની નકલી નોટો આપવાના કેસમાં સંડોવાયેલો છે. તેમજ વડોદરા જિલ્લામાં એન્થોનીએ મંગાવેલા 2 લાખ 92 હજારની કિંમતના દારૂના કેસમાં પણ વોન્ટેડ છે. આ સિવાય દિપક શર્મા વર્ષ 2014માં હાઇવે પર લૂંટના ગુનામાં, મુંબઇ ખાતે એન્થોની સાથે ફાયરિંગ કરવાના ગુનામાં, આણંદમાં ઘરફોડ ચોરી, વડોદરામાં એક અને રાજકોટમાં ત્રણ આર્મ્સ એક્ટના ગુનામાં, વારસીયામાં વાહનચોરી અને વાઘોડિયામાં દારૂના કેસ સહિત 10 ગુનાઓમાં સંડોવાયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.