દારૂબંધીની વાતો વચ્ચે આજે વહેલી સવારે રેસકોર્સ સર્કલ પાસે મુખ્ય માર્ગ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દારૂ ભરેલી રિક્ષા પલટી ખાતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. આ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ દારૂ ભરીને જતા રિક્ષા ચાલકને સ્થળ પરથી દબોચી લીધો હતો અને ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. દરમિયાન આ બનાવની જાણ ગોરવા પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી અને ખેપિયાને 48 નંગ દારૂની બોટલો સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કાચની દારૂની બોટલો રોડ પર ફૂટી ગઈ
આજે વહેલી સવારે ઓટો રિક્ષામાં ભારતીય બનાવટના દારૂની બે પેટીઓ ભરીને ખેપીયો પુરપાટ રેસકોર્સ સર્કલ પાસેથી પસાર થતો હતો. આ દરમિયાન અન્ય એક રિક્ષા સાથે ખેપિયાની રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. દારૂ ભરેલી રિક્ષા ધડાકા સાથે ભટકાતાની સાથે જ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષામાં મુકેલી દારૂની બે પેટીઓ પૈકી એક પેટીમાં મુકેલી દારૂની બોટલો રોડ ઉપર પડતા તૂટી ગઈ હતી, જેથી રોડ ઉપર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી.
ખેપીયો ભાગી જાય તે પહેલા લોકોએ પકડી લીધો
બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં જ કેટલાક સ્થાનિક રિક્ષા ચાલકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. પરંતુ, સ્થળ પર દારૂની રેલમછેલ થતાં જ બચાવવા માટે દોડી ગયેલા લોકો ચોંકી ઉઠ્યા હતા અને રિક્ષામાં દારૂ લઇને જતો ખેપીયો ફરાર થઈ જાય તે પહેલાં જ તેણે દબોચી લીધો હતો. બીજી બાજુ કેટલાક લોકોએ રોડ ઉપર થયેલી દારૂની રેલમછેલનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.
પોલીસે 48 નંગ દારૂની બોટલો કબજે કરી
બીજી બાજુ આ બનાવની જાણ ગોરવા પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી અને સ્થાનિક લોકોએ ઝડપી પાડેલા ખેપિયાનો કબજો લીધો હતો. તે સાથે ઓટો રિક્ષા અને દારૂ ભરેલી એક પેટી સહિત 48 નંગ દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસ તપાસમાં દારૂની ખેપ મારનાર વડોદરાના વારસીયા વિસ્તારનો રહેવાસી લાલચંદ લક્ષ્મણ નેભવાની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ખેપીયો લાલચંદ નેભવાની ક્યાંથી દારૂ લઇને આવ્યો હતો અને ક્યાં લઇ જતો હતો. તે અંગેની વિગત મેળવવા માટે તેની સામે દારૂની હેરાફેરી તેમજ અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખેપિયાઓ વિવિધ વાહનોમાં દારૂની ખેપ મારે છે
આજે સવારે રેસકોર્સ પાસે મુખ્યમાર્ગ ઉપર બનેલા બનાવને પહલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સાથે ટ્રાફિક વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. કહેવાય છે કે, વડોદરા શહેરમાં વહેલી સવારે તેમજ સમી સાંજના સમયે નાના-મોટા ખેપિયાઓ ઓટો રિક્ષા, ટુ-વ્હીલર તેમજ કાર જેવા વાહનોમાં બિદાસ્ત દારૂની ખેપ મારતા હોય છે. જેનો પુરાવો આજે સવારે રેસકોર્સ સર્કલ પાસેના રોડ ઉપર બનેલી ઘટના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.