બંને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો:વાઘોડિયાના માડોધર ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, વડોદરાના યુવાનનું મોત, ત્રણને ગંભીર ઇજા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયામાં બે બાઇક સામસામે ભટકાઇ, વડોદરાના યુવાનનું મોત. - Divya Bhaskar
વાઘોડિયામાં બે બાઇક સામસામે ભટકાઇ, વડોદરાના યુવાનનું મોત.

વડોદરા નજીક વાઘોડિયાના માડોધર ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વડોદરાના બાઇક ચાલક યુવાનનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સાથે વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

બંને બાઇક સ્પિડમાં હતી
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના માડોધર ગામ પાસે આજે બપોરે સામ-સામે બે બાઇક ધડાકાભેર ભટકાઇ હતી. બે બાઇક સામ સામે ધડાકાભેર ભટકાતાની સાથે થયેલા અવાજને પગલે સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા. બંને બાઇક એટલી સ્પીડમાં હતી કે, બંને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનને સ્થાનિક લોકોએ કફન ઓઢાવ્યું.
અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનને સ્થાનિક લોકોએ કફન ઓઢાવ્યું.

ત્રણની હાલત ગંભીર
આ ગમખ્વાર ઘટનામાં વડોદરાના ભાયલી ગામના રહેવાસી કિશન વસાવા (ઉં.22)નું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થળ પર મોતને ભેટેલા યુવાનને સ્થાનિક યુવાનો દ્વારા કફન લાવીને ઢાંકવામાં આવ્યું હતું. તે સાથે સ્થાનિક યુવાનો દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવીને મોટર સાઇકલ ચાલક અને મોટર સાઇકલ સવાર ત્રણ ઇજાગ્રસ્ત યુવાનોને વાઘોડિયા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અકસ્માતમાં બંને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો.
અકસ્માતમાં બંને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો.

પરિવારજનો દોડી આવ્યા
બપોરે બનેલા આ બનાવમાં ઇજા પામેલા ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચી હોવાનું હોસ્પિટલના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્તો બેભાન હોવાથી તેઓ ક્યાંના રહેવાસી છે તે અંગેની કોઇ માહિતી મળી ન હતી. આ બનાવમાં મોતને ભેટેલા વડદરાના ભાયલીના કિશન વસાવાનો મૃતદેહ વાઘોડિયા પોલીસે કબજે કરી પોષ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ
બીજી બાજુ મોતને ભેટેલા યુવાનના પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ વાઘોડિયા ખાતે દોડી ગયા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવ અંગે વાઘોડીયા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...