અકસ્માત:વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ વે પર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે એક્સિડન્ટ, ટેન્કર ચાલક અને ક્લિનર ગંભીર

વડોદરા4 મહિનો પહેલા
ધડાકાભેર સર્જાયેલા એક્સિડન્ટમાં વાહનોનો કડૂસલો વળી ગયો હતો.
  • ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર વહેલી સવારે ટ્રક અને દૂધની ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર ઉભેલી ટ્રકમાં પ્રચંડ ધડાકા સાથે દૂધની ટેન્કર ભટકાતા ટેન્કરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવમાં ટેન્કર ચાલક અને ક્લિનરને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજા પામેલા ટેન્કર ચાલકને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર ક્લિનરને બહાર કાઢવાં પતરા તોડવા પડ્યાં હતાં.
કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર ક્લિનરને બહાર કાઢવાં પતરા તોડવા પડ્યાં હતાં.

ટ્રક પેટ્રોલ પંર નજી પાર્ક હતી
વડોદરા ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર એક ટ્રક પાર્ક કરેલી હતી. આ ટ્રકમાં અમરેલીથી સુરત તરફ દૂધ લઇને જતી ટેન્કર ધડાકાભેર ભટકાઇ હતી. દૂધની ટેન્કર ટ્રકમાં ભટકાતાની સાથેજ પેટ્રોલ પંપ ઉપરના લોકો દોડી આવ્યા હતા. જોકે, દૂધની ટેન્કર ટ્રકના કેબિનમાં ધડાકા સાથે અથડાઇ હોવાથી ટેન્કરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ટેન્કર ચાલક ફસાઇ જતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

પતરા તોડવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.
પતરા તોડવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.

ટેન્કરમાં ફસાયેલાને કાઢવા કટરનો ઉપયોગ કરાયો
વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ થતાંજ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલીક કટરનો ઉપયોગ કરીને દૂધના ટેન્કરના કેબિનમાં ફસાઇ ગયેલા ટેન્કર ચાલક સગુનને બહાર કાઢ્યો હતો. અને તુરતજ તેને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવમાં ટેન્કરમાં ક્લિનર તરીકે કામ કરતા જીત પટેલને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
અકસ્માત બાદ થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

વાહન વ્યવહાર ખોરવાયો
એક્સપ્રેસ હાઇવે ઉપર સવારે બનેલા અકસ્માતના આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. જોકે, એક્સપ્રેસ હાઇવે તંત્ર દ્વારા અકસ્માત થયેલ ટેન્કર અને ટ્રકને ક્રેઇન દ્વારા ખસેડી રસ્તો ખૂલ્લો કર્યો હતો. વહેલી સવારે ટેન્કર ચાલકને ઉંઘનું ઝોકું આવી જતાં, અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.