એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના 74માં સ્થાપના દિવસે વિવાદ થયો હતો. જામીયા માલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના અધ્યાપકને બોલાવવામાં આવતા એબીવીપીએ ધમાલ કરતા કાર્યક્રમ બંધ કરવો પડયો હતો. જામીયા માલીયાના અધ્યાપકને કેમ બોલાવ્યા છે તેવું કહી એબીવીપીએ કાર્યક્રમ બંધ કરવાની ચીમકી આપતા ડીને કાર્યક્રમ અટકાવી દીધો હતો.
એમ. એસ. યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીને સ્થાપનાના 74 વર્ષ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યો જેમાં જામીયા માલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના સોશ્યલ વર્ક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ઝુબેર મીનાઇને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડેવલોપમેન્ટ સપોર્ટ સેન્ટરના ડાયરેકર સચીન ઓઝાને પણ બોલાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જામીયા માલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના અધ્યાપકને નિમંત્રણ આપવાના મુદે એબીવીપી દ્વારા રાજકીય રંગ આપી દેવામાં આવ્યો હતો. એબીવીપીએ કાર્યક્રમ સ્થળ પર પહોંચી જઇને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
એબીવીપીના વિદ્યાર્થી આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે ડીન ભાવના મહેતા દ્વારા તાત્કાલીક ધોરણે કાર્યક્રમમાં જઇને પ્રોગામ બંધ કરવા માટેની જાહેરાત કરી હતી. સોશ્યલ વર્ક ફેકલ્ટીના 74માં સ્થાપના દિવસે પ્રસંગનો કાર્યક્રમ શરૂ જ થયો હતો અને ગેસ્ટનું અભિવાદન ચાલી રહ્યું હતું તે સમયે જ એબીવપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એબીવીપીએ જામીયા માલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના અધ્યાપકને કેમ બોલાવવામાં આવ્યો છે તેવું કહીને કાર્યક્રમ અટકાવવાની માંગણી કરી હતી.
જેના પગલે કાર્યક્રમને તાત્કાલીક અટકાવી દેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને કલાસરૂમમાં રવાના કરી દેવામાં આવ્યા હતા. આગામી સમયમાં આ મુદ્દાને લઇને સંકલન સમિતિના સભ્યો દ્વારા સેનેટ-સિન્ડિકેટમાં વિરોધ નોંધાવવામાં આવે તેવી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે એબીવીપી દ્વારા ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં બિભત્સ ચિત્રોના મુદે પણ હોબાળો મચાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.