વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પક્ષ પલટાની મોસમ આવી છે. માંજલપુરમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મળી 500 લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો. જેમાં 2015માં ગોત્રીમાં તત્કાલિન ઊર્જામંત્રી સૌરભ પટેલ પર પથ્થરમારાની ઘટનામાં ધરપકડ કરાયેલા નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામને ભાજપમાં સમાવાતાં કાર્યકરોમાં રોષ વ્યાપ્યો હતો.
વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજશે. જેની જાહેરાત ગમે તે સમયે થઈ શકે છે. ત્યારે રાજકીય નેતાઓનું એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની દોડધામ વધી છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર સહિતના હોદ્દેદારોએ શનિવારે કેસરિયો ધારણ કર્યો હતો.
માંજલપુરના ખાનગી પાર્ટી પ્લોટમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની હાજરીમાં પૂર્વ કાઉન્સિલર અને અકોટા અને પાદરા વિધાનસભાના ઇન્ચાર્જ છાયાબેન શુંભે, પૂર્વ શહેર મહિલા ઉપપ્રમુખ કલ્પના સૂર્વે, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામ સહિત આપના સાગર કેસરકર અને વોર્ડ 17ના સામાજિક કાર્યકર્તા સહિત 500 લોકો ભાજપમાં જોડાયા હતા.
2015માં ગોત્રીમાં તત્કાલિન ઊર્જામંત્રી સૌરભ પટેલ પર પથ્થરમારો થયો હતો. જેમાં નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામની પણ સંડોવણી સામે આવી હતી. મંત્રી પર હુમલામાં ધરપકડ કરાયેલા નારાયણ રાજપૂતને ભાજપે કેસરિયો કરાવતાં કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.