AAP કા ક્યા હોગા?:દક્ષિણમાં ભલે AAPના ‘ઝાડુ’એ દમ દેખાડ્યો, પણ વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં ડિપોઝિટો ડૂલ થવાનો ખતરો

વડોદરા10 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • વડોદરા મ્યુનિ.માં આપ પાસે એકપણ બેઠક નહીં
  • મધ્ય ગુજરાતમાં સંગઠન પણ મજબૂત નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી (AAP)પોતાને ત્રીજા વિકલ્પ તરીકે લોકો સમક્ષ રજૂ કરી રહી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં દમ દેખાડતી AAP મધ્ય ગુજરાત અને ખાસ કરીને વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં મતદારોને રીઝવી શકી નથી, સાથે સાથે જ મધ્ય ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બની રહ્યો છે. આમ, મધ્ય ગુજરાતમાં AAPની ડિપોઝિટ ડૂલ થાય તોપણ નવાઈ નહીં.

દિલ્હી અને ત્યાર બાદ તાજેતરમાં કોંગ્રેસના ગઢ પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિધાસનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી છે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દ્વારા ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ફેબ્રુઆરી 2021માં યોજાયેલી રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AAPએ ઝંપલાવ્યું હતું, જેમાં સુરતના પાટીદારોના ગઢમાં પાલિકાની ચૂંટણીમાં AAPએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી 27 બેઠકો હાંસલ કરી વિરોધ પક્ષ તરીકે સ્થાન મેળવ્યું હતું અને કોંગ્રેસને ત્રીજા નંબર પર ધકેલી દીધી હતી. જોકે દક્ષિણમાં ચાલેલો 'ઝાડુ'નો જાદુ મધ્ય ગુજરાતમાં આવતાં ઓસરી ગયો છે.

વડોદરામાં AAPના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
ગત વર્ષે વડોદરા મહાનગરપાલિકાની કુલ 67 બેઠક પર ચૂંટણીમાં યોજાઇ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ 41 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ચૂંટણી પરિણામોમાં AAPના તમામ ઉમેદવારોને એટલા ઓછા મત મળ્યા હતા અને તમામની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી.

વડોદરામાં કોંગ્રેસની સીટ ઘટી, પણ AAPને નહીં ભાજપને ફાયદો
ફેબ્રુઆરી 2021માં યોજાયેલી મહાનગરપાલિકની ચૂંટણીમાં કોંગ્રેસે 76 બેઠકમાંથી માત્ર 7 બેઠક પર જ જીત મેળવી શકી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2015માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે 13 બેઠક આવી હતી. આમ, કોંગ્રેસને 6 બેઠકોનું નુકસાન થયું છતાં આમ આદમી પાર્ટીને કોઇ ફાયદો થયો ન હતો. બીજી તરફ ભાજપની સીટ 58થી વધીને 69 થઇ હતી.

2021ની પાલિકાની ચૂંટણીમાં AAPને તમામ સીટ પર ઉમેદવાર ન મળ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં કુલ 76 બેઠક હતી, જેમાંથી આમ આદમી પાર્ટીના 42 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેથી 41 બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીને ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠક પર પૂરા ઉમેદવારો પણ મળ્યા ન હતા.

વડોદરા AAP શહેર પ્રમુખ આયાતી
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિરેન રામી પણ પાર્ટી માટે આયાતી નેતા છે, એટલે કે વિરેન રામી પૂર્વ કોર્પોરેટર છે અને તેઓ રાજેશ આયરેની પાર્ટી RSPના ઉમેદવાર હતા, પરંતુ રાજેશ આયરે ભાજપમાં ભળી જતાં વિરેન રામીએ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો. નોંધનીય છે કે વર્ષ 2015માં RSPમાંથી વોર્ડ ન.9માંથી ચૂંટણી લડેલા વિરેન રામી(પિંટલ રામી)નું 2021ની ચૂંટણીમાં 3 બાળકોના મુદ્દે ફોર્મ રદ થઈ ગયું હતું. આમ, વિરેન રામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં લડી શકે, જો કે વિધાનસભા ચૂંટણી લડી શકશે.

અન્ય સમાચારો પણ છે...