ભાસ્કર ઇન્ટરવ્યૂનીતિન પટેલ તો AAP પર બગડ્યા:'AAP પાટીદારોથી ચાલતી પાર્ટી નથી', શ્રદ્ધાની હત્યાને લઈને લવજેહાદ અંગે કહ્યું કાંઈક આવું!

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો રહ્યા છે. ગુજરાતમાં ચારેકોર ચૂંટણીની ચર્ચા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે સ્પષ્ટ વક્તા અને ભાજપના સિનિયર નેતા નીતિન પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમના ચૂંટણી ન લડવાથી લઈને, ચૌધરી સમાજની નારાજગી, લવજેહાદ, તેમનું રાજકીય અસ્તિવ તેમજ આમ આદમી પાર્ટી અંગે વાત કરી હતી.

ભાજપે સિનિયરને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે...કઈ રીતે જુઓ છો?
જવાબ- રાષ્ટ્રીય કક્ષાએ અમારું મોવડી મંડળ બધાં રાજ્યમાં સ્થાનિક પરિસ્થિતિ, સ્થાનિક જરૂરિયાત મુજબ નિર્ણય લે છે. કેન્દ્રમાં અનેક સિનિયર મંત્રીઓને પ્રધાન મંડળમાંથી ફરજ મુક્ત કરી નવો નિર્ણય કરાયો છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી અને શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા. સ્થાનિક પરિસ્થિતિ મુજબ પક્ષ નિણર્ય કરે છે અમે તેને અનુસરીએ છીએ.

તમે ચૂંટણી નથી લડતા પાટીદારોને ભાજપે નારાજ કર્યા છે? તમારું વર્ચસ્વ કાયમ રહશે?
જવાબ- બે રીતે તમારું વર્ચસ્વ હોય એક સામાજિક કામો અને સેવાઓથી પ્રજા સાથે હળીમળીને દાયકાઓ સુધી કામ કર્યું હોય તેનો પ્રભાવ ઊભો થાય. બીજું વર્ચસ્વ ફક્ત હોદ્દા આધારિત હોય તથા કોઈ વ્યક્તિ હોદ્દા પર હોય ત્યાં સુધી મહત્ત્વ રહે. હોદ્દા પરથી દૂર થાય તેની મહત્ત્વતા ઘણી ઘટે. અમે બધાએ જેમ કામ કર્યું છે. હું 19 વર્ષ જેટલો સમય ગુજરાતમાં મંત્રી તરીકે 5 વર્ષ નાયબ મુયખ્યમંત્રી તરીકે લગભગ 28 વર્ષ જેટલો સમય ધારાસભ્ય રહ્યો.

કોઈ હોદ્દાથી મારું વર્ચસ્વ છે એવું નથી માનતો
મહેસાણા જિલ્લામાં રાજપા બન્યું ત્યારે તે વખતે મહેસાણા જિલ્લામાંથી મોટા ભાગના નેતાઓ આત્મરામકાકા, વિપુલભાઈ, શકરસિંહ સાથે ગયા હતા. ત્યારે મને મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી પક્ષે આપી હતી. તે વખતે સંગઠન ટકાવી રાખવું તે વખતે જરૂરી હતું. જેથી મેં સભાઓ કરી સંગઠન મજબૂત કર્યું હતું. હું પ્રદેશ કારોબારી, રાષ્ટ્રીય કારોબારી, ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડનો સભ્ય છું. સંગઠન અને સરકારમાં કામ કર્યું છે. અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થા સાથે દાયકાઓથી સંકળાયેલો છું. કોઈ હોદ્દાથી મારું વર્ચસ્વ છે એવું નથી માનતો અને પ્રજા નથી માનતી.

1990થી રાજનીતિ તમે જુઓ છો? હવે શું ઈચ્છા તમારી? રાજ્યપાલ કે લોકસભા લડશો?
હું ભગવાનમાં માનું છું. કર્મનો સિદ્ધાંત મુજબ આપણે કામ કરવાનું ફળ ભગવાન આપે છે. ગુજરાતમાં 19 વર્ષ સૌથી લાંબો સમય હું અને ભૂપેન્દ્રસિંહ મંત્રી રહ્યા. ભાજપના બધા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન, વિજયભાઈ સાથે સતત કામ કર્યું હોય તેવો કાર્યક્રર અને મંત્રી રહ્યો છું.

લવજેહાદને લઈને શું કહેશો? શું સુધારા કરવા જોઈએ?
લવજેહાદ સામાજિક, ધાર્મિક, કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે. આપણા દેશમાં બધા જ પ્રકારની સ્વંત્રતા બંધારણે ચોક્કસ આપી છે. પણ સામે મા-બાપ, પરિવાર, ભાઈ-બહેનો બધાંની જવાબદારી હોવી જોઈએ. સંજોગોવશાત્ માનવતાવાળી હજારો વર્ષ જૂની પરિવારની સંસ્કૃતિનો બંધારણમાં સમાવેશ નથી કરાયો એ હું માનું છું. મા-બાપ દીકરા-દીકરીને ભણાવે તેમનાં માટે ખર્ચ કરી મહેનત કરી તેમને પુખ્તવયના બનાવી પરણવા ઉંમર યોગ્ય બનાવે છે. ત્યારે મા-બાપની ઇચ્છા હોય કે દીકરા-દીકરી સુખી થાય તેવા ઘરે પરણે. મા બાપની ઇચ્છા વિરુદ્ધ કોઈ દીકરી આપણા હિન્દુ ધર્મની બહાર અન્ય ધર્મમાં જ્યાં કોઈપણ જાતની સામાજિક કે સાંસ્કૃતિક પ્રથા હિન્દુ ધર્મ સાથે મળતી નથી તે યોગ્ય નથી.

બંધારણ અને મા-બાપની લાગણી અલગ
દેશની એકતા માટે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી તમામ ધર્મને એક માનીએ છીએ. પણ એવું નથી કે સામાજિક રીતે બધાને યોગ્ય લાગે તેમ કરે. મોટા ભાગના કિસ્સાઓમાં જાણવા મળ્યું કે દીકરીઓને લલચાવી ફોસલાવીને ખોટું નામ આપી કેટલાક લોકો હિન્દુ છોકરી સાથે લગ્ન કરે છે અને છોકરીઓ વર્ષો સુધી પસ્તાય છે. હમણાં જે બનાવ બન્યો તે બનાવને આની સાથે સાંકળવા માગતો નથી. પણ જે રીતે દિલ્હીમાં હિન્દુ દીકરીને બીજા ધર્મના છોકરાએ 35 ટુકડા કરીને મારી નાખી એ મા-બાપથી સહન ન થાય, પછી બંધારણમાં શું છે એ મા-બાપ ન જુએ. બંધારણ અને મા-બાપની લાગણી અલગ છે. કોઈ પણ પરધર્મ-વિધર્મનો છોકરો હિન્દુ છોકરી સાથે લગ્ન કરે તે શહેરમાં તે વિસ્તારમાં સામાજિક, કાયદાકીય અને ધાર્મિક પ્રશ્નો ઊભા થાય છે.

ઇસ્લામમાં સ્પષ્ટ કહ્યું કે લગ્ન કરો તો ફક્ત ઇસ્લામ પરિવાર સાથે
છોકરીને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરે છે. આજ સુધી એક કિસ્સો બતાવે હિન્દુ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હોય અને લગ્ન કરવા મુસ્લિમ છોકરાએ ઇસ્લામ ધર્મનો ત્યાગ કરી હિન્દુ ધર્મ અપનાવી હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યાં હોય, બહુ ઓછા આવા બનાવો છે. ઇસ્લામમાં સ્પષ્ટ કહ્યું કે લગ્ન કરો તો ફક્ત ઇસ્લામ પરિવાર સાથે કરો. જેથી તે લોકો છોકરીઓને મસ્જિદમાં કે મૌલાના ને ત્યાં લઈ જઈ ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવે છે. ધર્મ પરિવર્તન કરાવે છે. જેથી મા-બાપ અને પરિવારને આઘાત લાગે. જિંદગીભર આઘાત જતો નથી. લવજેહાદના કિસ્સાઓ ડામવા જોઈએ.

ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેનાની અસર ચૂંટણીમાં થશે?
દરેક જ્ઞાતિ-જાતિના પ્રશ્નો આવતા હોય છે. 2017માં પાટીદાર અને અન્ય સવર્ણ જ્ઞાતિઓએ અનામત માટે આંદોલન કર્યું. નવનિર્માણ પછીનું મોટું આદોલન હતું. ભાજપે પ્રેમથી બધાને સાથે લીધા. આજ આંદોલનના નેતાઓ ભાજપમાં રાષ્ટ્રસેવામાં જોડાયા છે. ચૌધરી સમાજ ભાજપ સાથે સંકળાયેલ છે. મહેસાણા તાલુકા અને જિલ્લામાં ચૌધરી સમાજ મોટી સંખ્યામાં છે. જે અમારા કાર્યકર છે, મિત્રો અને સાથીઓ છે. વિપુલ ચૌધરી મામલે તેમની નારાજગી છે. પણ હું નથી માનતો કે તે મુદ્દાના કારણે તે લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરે.

આમ આદમી પાર્ટીએ પાટીદાર ચહેરા ઉતાર્યા છે ભાજપને નુકસાન કરશે?
આપ પાર્ટી પાટીદારોની પાર્ટી નથી. અનામત આંદોલનની લીડરશિપ પાટીદારોએ લીધી હતી એ હકીકત છે અને સ્વીકારીએ છીએ. આપ પાર્ટી દિલ્હીથી આવેલી આયાતી પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં અનેક જ્ઞાતિના સભ્ય છે. પાટીદારોથી ચાલતી તે પાર્ટી નથી.

અન્ય સમાચારો પણ છે...