સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો:વડોદરામાં સગીરાનું અપહરણ કરી છેડતી કરનાર યુવકને 5 વર્ષની કેદની સજા

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા કોર્ટની ફાઇલ તસવીર.

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી છેડતી કરવા મામલે કોર્ટે આરોપી યુવકને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. તેમજ પીડિતાને 20 હજાર રૂપિયાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

કોલેજ જતી સગીરાને વાનમાંથી ઉતારી લીધી હતી
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી અને સગીરા કોલેજમાં અભ્યાસ માટે વાનમાં બેસી જઇ રહી હતી. આ દરમિયાન પરચિત યુવક હાર્દિક મુકેશભાઇ દલવાડી (રહે. માંજલપુર, વડોદરા)એ સગીરાને વાનમાં ઉતારી લઈને બાઇક પર બેસાડી કોલેજ લઈ ગયો હતો અને તેને કોલેજમાં ન જવા દઈને બહાર બેસાડી રાખી હતી. તેમજ શરીર સંબંધ બાંધવા મારામારી કરી તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ મામલે માર્ચ 2013માં વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પીડિતાને 20 હજાર વળતર
આ મામલે વાડી પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ એસ.એમ.વારોતરીયા અને બી.એચ.ચાવડાએ ઘટના સ્થળ તેમજ સંબંધિત જગ્યાઓનું પંચનામું તેમજ આરોપીના મોબાઇલને જપ્ત કરીને FSLમાં મોકલી આપ્યો હતો. તેમજ આરોપીની હાર્દિક દલવાડીની ધરપકડ કરી હતી અને તેની સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે હાર્દિક દલવાડીને પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ મહિનાની વધુ કેદની સજા સંભળાવી છે. સાથે જ પીડિતાને 20 હજાર રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો છે.