જામ્બુવા રોડ પર મોપેડ ચાલકે સંતુલન ગુમાવતાં તેઓ રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા પહોંચતાં તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. મકરપુરા એસટી ડેપો પાછળ રહેતા મનોજભાઈ મિસ્ત્રી 7 મહિનાથી ડ્રાઈવર તરીકે ઉમેશભાઈ પવારને ત્યાં નોકરી કરતા હતા. સોમવારે ઉમેશભાઈ પાસેથી તેઓનું મોપેડ લઈને મનોજભાઈ પોતાના અંગત કામ માટે બહાર ગયા હતા અને થોડા સમયમાં આવું છું તેમ કહ્યું હતું.
જોકે 2 કલાક બાદ પણ મનોજભાઈ પરત ન આવતાં ઉમેશભાઈએ તેમને ફોન કર્યો હતો ત્યારે તેઓનો ફોન 108 એમ્બ્યુનલન્સના કર્મચારીએ ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે, મનોજભાઈનો અકસ્માત થયો છે અને તેઓને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ઉમેશભાઈ મિત્ર પ્રશાંતભાઈને લઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા.
જ્યાં ફરજ પર હાજર તબીબે મનોજભાઈને મૃત જાહેર કર્યા હતા. ઉમેશભાઈ અને પ્રશાંતભાઈ અકસ્માત વાળી જગ્યા પર જતાં ઉમેશભાઈનું મોપેડ આડું પડેલું હતું. ત્યાં એક વ્યક્તિને અકસ્માત વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મનોજભાઈ તરસાલીથી જામ્બુવા બ્રિજ તરફ જતા હતા ત્યારે તેઓ અચાનક ઊંધે માથે પડી ગયા. જેથી તે વ્યક્તિ ત્યાં જોવા પહોંચ્યો ત્યારે મનોજભાઈ જીવતા હતા. જેને કારણે તેઓએ તાત્કાલિક 108 ઇમર્જન્સીમાં કોલ કરીને તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.