તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર ગાઉન પહેરીને ત્રાટક્યો:વડોદરાના તરસાલીની કમલા પાર્ક સોસાયટીમાં કોન્સ્ટેબલના ઘરમાં રાત્રે યુવક સ્ત્રીના વેશમાં ઘૂસ્યો, ભેદી રીતે પટકાતાં ઇજા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાનું ગાઉન અને આંતરવસ્ત્રો પહેરેલો યુવક ભેદી રીતે પટકાતાં તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી. - Divya Bhaskar
મહિલાનું ગાઉન અને આંતરવસ્ત્રો પહેરેલો યુવક ભેદી રીતે પટકાતાં તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી.
  • ગાઉન પહેરીને ફરતો યુવક દેખા દેતાં ચોર હોવાની શંકાએ કોન્સ્ટેબલની બૂમાબૂમ, યુવક કૂદી પડ્યો
  • બાજુની સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરાખંડના યુવકને ગંભીર ઇજા થતાં અમદાવાદ ખસેડાયો

શહેરના તરસાલી વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કમલાપાર્ક સોસાયટીમાં રહેતા પોલીસકર્મચારીના મકાનમાં મોડી રાત્રે મહિલાનાં વસ્ત્રો પહેરીને ઘૂસેલો એક યુવક બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સયાજી હોસ્પિટલ અને ત્યાર બાદ ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો હતો. ઘટના સંદર્ભે પોલીસે બનાવની નોંધ લઈ ચોરીની આશંકાએ તપાસ શરૂ કરી છે. તરસાલી વિસ્તારમાં બનેલી અજીબોગરીબ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

પરિવાર ધાબે સૂવા ગયો હતો
પોલીસના જણાવ્યા અનુઆર, તરસાલીની કમલાપાર્ક સોસાયટીમાં દિલીપ પાઠક રહે છે. તેઓ શહેર પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. ગુરુવારે રાતે તેઓ પરિવાર સાથે બીજા માળે ધાબા પર સૂવા ગયા હતા. મળસકે 3-30 વાગ્યાના અરસામાં દિલીપભાઈ લઘુશંકા માટે ઊઠ્યા હતા એ સમયે બીજા માળે એક શંકાસ્પદ વ્યક્તિ મહિલાનાં કપડાંમાં દેખા દેતાં તેમણે બૂમાબૂમ કરી હતી, જેમાં વ્યક્તિએ બીજા માળેથી ભૂસકો માર્યો હતો.

ચોરે મહિલાનાં કપડાં પહેર્યાં હતાં
યુવકે ભૂસકો લગાવતાં નીચે જમીન પર પટકાયો હતો. દિલીપભાઈ અને તેમના પરિવારે નીચે આવીને જોતાં યુવક લોહીના ખાબોચિયામાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો નજરે પડ્યો હતો. દિલીપભાઈએ બનાવની જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં યુવકે મહિલાનાં આંતર વસ્ત્ર અને ગાઉન પહેર્યું હતું. પોલીસે તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ કરતાં યુવક મૂળ ઉત્તરાખંડ અને કમલાપાર્કની બાજુની આશિષ સોસાયટીમાં ભાડેથી રહેતો 26 વર્ષનો વિરેન્દ્ર કુમાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચોરીની આશંકાએ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ વિરેન્દ્ર કુમારની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

યુવકે પાડોશી મહિલાનાં વસ્ત્રો પહેર્યાં હતાં

ઉત્તરાખંડનો વિરેન્દ્ર કુમાર સોમા તલાવ તરસાલી રોડ પર આવેલા કેફેમાં નોકરી કરે છે. તે તેના 3 મિત્રો સાથે છેલ્લા 2 મહિનાથી આશિષ સોસાયટીમાં રહેતો હતો. શુક્રવારે તે દિલીપભાઈના બાજુમાં રહેતી મહિલાનાં વસ્ત્રો પહેરીને તેમના મકાનમાં પ્રવેશ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

ચોરી કરવા માટે મહિલાનાં કપડાં કેમ પહેરવાં પડ્યાં?
પોલીસકર્મચારીના ધાબા પર આવી ચઢેલો વિરેન્દ્ર કુમાર ચોરી કરવાની આશંકાએ ત્યાં ગયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો વિરેન્દ્રએ ચોરી કરવા જ ગયો હોય તો તેણે મહિલાનાં કપડાં પહેરવાની જરૂર કેમ પડી? આ સવાલ શંકા ઊપજાવે છે. મહિલાનાં કપડાં પહેરવાં અને દિલીપભાઇના મકાન પર જવા અંગેની હકીકત સિવિલ હોસ્પિટલમાં બેભાન પડેલો વિરેન્દ્ર જ્યારે ભાનમાં આવશે ત્યારે જ માલૂમ પડશે.