હિટ એન્ડ રન:રોજ ભાઇ સાથે નોકરી પર જતો યુવક રિક્ષામાં એકલો ગયો ને અકસ્માતમાં જીવ ગુમાવ્યો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ રોડ પર મિનિ બસની ટક્કરે રિક્ષામાં સવાર વૃદ્ધા સહિત 2નાં મોત
  • 68 વર્ષિય વૃદ્ધા ઘરકામ માટે જતાં હતાં, ફરાર બસ ચાલક સામે ગુનો નોંધાયો

ડભોઇ રોડ પર ગણેશ નગર ત્રણ રસ્તા પાસે સોમવારે સવારે મિનિ બસ અને રિક્ષાનો અકસ્માત થતાં રિક્ષામાં સવાર 22 વર્ષિય યુવક અને 68 વર્ષિય વૃદ્ધાનું મોત થયું હતું. પાણીગેટ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ડભોઇ રોડ વૈષ્ણવ વાટિકા પાસે રહેતા કિશન વણઝારા રિક્ષામાં ભરત વર્મા અને 68 વર્ષિય કાશીબેન ચુનારાને બેસાડી જતા હતા.

ગણેશ નગર ત્રણ રસ્તાથી ડીમાર્ટ તરફના રોડ પરથી મિનિ બસના ચાલકે ટર્ન લેતાં રિક્ષા સાથે અકસ્માત થયો હતો. જેમાં ઘાયલ કાશીબેનનું એસએસજીમાં મોત થયું હતું, જ્યારે અમદાવાદ રિફર કરાયેલા ભરતભાઈનું સારવાર માટે પહોંચે તે પહેલાં મોત થયું હતું. ભરતભાઈના ભાઈ કમલેશ વર્માએ જણાવ્યું કે, તે ગાજરાવાડી હનુમાનપુર ખાતે રહે છે.

ભરતભાઈ સેન્ટરિંગના પતરા બનાવતા હતા. રોજ તેને મૂકવા તે પોતે જતા હતા, પરંતુ તેના ફરાસખાનાના માણસો હોળી કરવા જતાં ભાઈને મૂકવા જઈ શક્યા ન હતા. તેની નોકરીના સ્થળ નજીક જ તેનું અકસ્માતમાં મોત થયું હતું.જ્યારે કાશીબેનનાં પૌત્રીએ જણાવ્યું કે, બા રોજ સોમા તળાવ પાસે ઘરમાં કામ કરવા જતાં હતાં. નિત્યક્રમ મુજબ તેઓ આજે જતાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.

કેલનપુર પાસે ટાયર ફાટતાં કાર ટ્રક સાથે અથડાઈ,ખેડૂતનું મોત
વડોદરા | નર્મદાના નાંદોદ તાલુકા પાસે પોઇચા ખાતે રહેતા લતીફભાઈ દિવાન મારુતિ વેન કારમાં સ્થાનિક ખેડૂત અર્પણ બારિયાની લીલી તુવેરો વેચવા વડોદરા શાક માર્કેટ આવી રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક હસમુખભાઈ પણ હતા.રવિવારે રાત્રે 10 વાગ્યા પછી નીકળ્યા બાદ 2-30 વાગ્યાના સુમારે કેલનપુર પાસે પેટ્રોલ પંપ નજીક કારનું ટાયર ફાટતાં ટ્રકની પાછળ કાર પાછળ અથડાઈ હતી.

જેને પગલે ગંભીર રીતે ઇજા પામેલા અર્પણભાઈનું મોત થયું હતું, જ્યારે લતીફભાઈ અને હસમુખભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક અર્પણભાઈ બારિયાનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...