તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હાઇવે પર ટ્રકમાં બાઇક ઘૂસી જતાં યુવાનનું મોત : 3 કિમી સુધી વાહનોની કતાર જોવા મળી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર નજીક વાઘોડિયા બ્રિજ પાસે ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મોત થયું હતું. ઘટનાને પગલે 3 કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. - Divya Bhaskar
શહેર નજીક વાઘોડિયા બ્રિજ પાસે ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મોત થયું હતું. ઘટનાને પગલે 3 કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.
  • અકસ્માતને પગલે વાઘોડિયા ચોકડીથી છેક દુમાડ ચોકડી સુધી વાહનોની કતારો જામી
  • યુવક બાઇક પર સયાજીપુરા માર્કેટ સ્થિત દુકાન પર જતો હતો ત્યારે ઘટના બની

વાઘોડિયા ચોકડી પાસે ને.હાઇવે નં. 48 પર શુક્રવારે સવારે બાઈક લઈ સયાજીપુરા માર્કેટ સ્થિત પોતાની દુકાને જતો 20 વર્ષીય યુવાન ટ્રકની પાછળ ઘૂસી જતાં બાઇકનો ખુરદો બોલી ગયો હતો. જેમાં યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની 3 કિમીથી પણ લાંબી લાઈનો લાગી ગઈ હતી.

ગણતરીની મિનિટોમાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી
મકરપુરાની સિંધી સોસાયટીના ગોકુલનગરમાં રહેતો 20 વર્ષીય માનવ વિનોદ અગીચા શુક્રવારે સવારના સમયે પોતાનું કેટીએમ ડ્યુક બાઈક લઈને ઘરેથી સયાજીપુરા માર્કેટ સ્થિત પોતાની ફ્રૂટની દુકાન ખાતે જઈ રહ્યો હતો. દરમિયાન કપુરાઇ બ્રિજથી વાઘોડિયા ચોકડી તરફ જતી વખતે આગળ જઈ રહેલી એક ટ્રકની પાછળ ઘૂસી જતાં બાઇકનો ખુરદો બોલાઈ ગયો હતો. જ્યારે માનવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રાહદારીઓ તેમજ આસપાસના રહીશોના ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગણતરીની મિનિટોમાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને ત્યાંથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલ દુમાડ ચોકડી સુધી વાહનોની કતાર જોવા મળી હતી. પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક અને બાઇકને હટાવી ટ્રાફિકની સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ દ્વારા માનવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...