વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામમાં પાડાથી બચવા માટે દોડેલી ભેંસ કૂવા ઉપર મૂકેલું પતરું તોડીને કૂવામાં પડી ગઇ હતી. કૂવામાંથી ભેંસને બહાર કાઢતી વખતે દોરડુ તૂટી જતા સાસરીમાં આવેલા જમાઇનું ભેંસ નીચે દબાઇ જતાં મોત થયું હતું. વડોદરા ફાયર બ્રિગેડે રાત્રે સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભેંસ અને યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવે વેજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
પાડાથી ડરી ગયેલી ભેંસ દોડતા દોડતા કૂવામાં ખાબકી
ડેસર તાલુકાના વેજપુર વાંટા ફળિયામાં રહેતા ઉદાભાઈ સનાભાઇ પરમારની ભેંસ તેના પાડાના કારણે ભડકીને નાસભાગ કરતી હતી. તે સમય દરમિયાન વિજય પુવારના ખુલ્લા વાડામાં અવાવરું કૂવા ઉપર ઢાંકેલા પતરા હોવા છતાં ભેંસના વજનના કારણે સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં કૂવામાં ખાબકી હતી. ઉદાભાઈ પરમારની ભેંસ કૂવામાં પડી જતાં, વેજપુર ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેને બહાર કાઢવા માટે અવનવા કીમીયા અજમાવતા હતા.
કૂવામાંથી ભેંસ બહાર કાઢવા યુવાન એરાલ ગામથી આવ્યો
આ દરમિયાન ઉદાભાઈ પરમારની પત્ની લીલાબેને પંચમહાલના એરાલ ખાતે તેઓની દીકરી કોકીલા પરમારને ફોન કરી જાણકારી આપી હતી કે, આપણી ભેંસ કૂવામાં પડી છે. એરાલ ખાતે દીકરીના મકાનનો સ્લેબ ભરાતો હોવાથી તેનો ભાઈ પીન્ટુ પણ બહેનના ઘરે હતો. કૂવામાં પડેલી ભેંસને બહાર કાઢવા માટે એરાલથી બાઇક લઈને વેજપુર આવવા માટે નીકળી રહ્યો હતો. તેઓની સાથે તેના બનેવી રાજુભાઈ મંગળભાઈ પરમાર (ઉ. 38) પણ વેજપુર આવી પહોંચ્યા હતા.
કૂવામાંથી જમાઇનો મૃતદેહ બહાર કાઢ્યો
અવાવરું કૂવામાં બે ત્રણ દિવસ પહેલા એક ભૂંડ પડીને મરણ પામ્યું હોવાથી કુવાની આજુબાજુ અસહ્ય દુર્ગંધ ના કારણે ઉભું રહેવાય તેવી પણ સ્થિતિ ન હતી, તેમ છતાં જમાઈ રાજુ પરમાર કૂવાની અંદરથી ભેંસનો અવાજ આવતો હોવાથી 100 ફૂટ જેટલા ઊંડા અને સાંકડા કૂવામાં દોરડાની મદદથી ઉતર્યા હતા. દોરડાથી ભેંસને બાંધીને બહાર કાઢતી સમયે 40 ફૂટ જેટલા ઉપરથી દોરડું તૂટતા પરત ભેંસ કૂવામાં ખાબકી હતી. ભેંસની નીચે જમાઈ રાજુ પરમાર દબાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેઓનું અને ભેંસનું મોત નીપજ્યું હતું.
ફાયર બ્રિગેડે પ્રથમ ભેંસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો
ગામમાં બનેલી આ કરુણ ઘટનાને પગલે વેજપુરના સરપંચ જયરાજસિંહ સંજયસિંહ રાઉલજીએ વડોદરા ફાયર ફાઈટરને જાણ કરતા મોડી રાત્રે 11 વાગ્યે ફાયર ફાઈટર આવી પ્રથમ ભેંસનો મુતદ્દેહ કાઢ્યા બાદ રાત્રે અઢી વાગે રાજુ પરમારનો મુતદ્દેહ બહાર કઢાયો હતો. વેજપુર ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરતા તેઓએ અવાવરું કૂવો બે ત્રણ દિવસમાં પૂરી દેવા માટે માલિકને કડક શબ્દોમાં સૂચના આપી હતી. ડેસર પોલીસને જાણ કરતા રાત્રે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મુતદેહને પોસ્ટમોર્ટમ માટે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.