વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત, યુવતીને સરનામું આપવા મામલે હુમલો, સેવાસીમાં બે દિવસથી ગુમ આધેડનો મૃતદેહ મળ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોજરી ગામનો યુવક ગોવિંદ પર્વતભાઇ બારીયા વડોદરા ખાતે સેન્ટરીંગનું કામ કરતો હતો. તે હાલ નેશનલ હાઇવે પર એલ એન્ટ ટી કંપની સામે આવેલ શિવાલય નામની નવી સાઇટ પર કામ કરતો હતો.

દરમિયાન ગઇકાલે તેના ગોવિંદના પિતાને સયાજી હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તેમના પુત્રને હાઇવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો જેનું મોત થયું છે. જેથી પરિવારના સભ્યો વડોદરા દોડી આવ્યા હતા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં પુત્રનું અકસ્માતે મોત થયાની ફરિયાદ નોંધાવી છે.

યુવતીને સરનામું આપવા બાબતે હુમલો
સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમનાબાઇ હોસ્પિટલની બાજુમાં કાપડની લારી લગાવી વેપાર કરતા મુઝફ્ફર અબ્દુલરહેમાન કુરેશી પર રફીક શેખ નામના શખ્સે બરડાના ભાગે ફટકા મારી હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત થયેલ મુઝફ્ફર કુરેશીને લોહીલુહાણ હાલતમાં જમનાભાઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

પીડિતે સિટી પોલીસ સ્ટેશનમાં રફીક શેખ સામે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રફીક પરણિત હોવા છતાં તેના અન્ય યુવતી સાથે સંબંધ હતા. તે યુવતી રફીકનું ઘર શોધતી તેમની લારીએ આવી હતી અને રફીકના ઘરનું સરનામું પુછ્યું હતું. જે લારી સંચાલકે બતાવ્યું હતું. જેની અદાવત રાખી રફીકે તેના પર હુમલો કર્યો છે.

સેવાસીમાં બે દિવસથી ગુમ આધેડનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલ વણકરવાસમાં રહેતા ડાહ્યાભાઇ કટારિયા છેલ્લા બે દિવસથી ગુમ હતા. જેમનો મૃતદેહ નજીકના સ્મશાનની ઝાડીઓમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તેઓ કંપનીનો નોકરીએ જવા નિકળ્યા બાદ ઘરે પરત ફર્યા ન હતા. આ મામલે વડોદરા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ તેમની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથધરી છે.