વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઊંડા ફળીયા ભાથીજી મહારાજના મંદિર પાસે રહેતો મહેન્દ્ર રાજપૂતે(ઉ.30) દારૂના નશામાં પત્ની સાથે બોલાચાલી કરી પત્નીને ઘરની બહાર કાઢી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેમજ મહેન્દ્રએ અંદરથી પત્નીને કહ્યું હતું કે, હવે હું આત્મહત્યા કરી લઉ છું. જેથી મહેન્દ્રની પત્ની રીનાબેને વડોદરા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા દારૂના નશામાં મહેન્દ્ર બેડમાં આરામથી ઊંઘી રહ્યો હતો. બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી. આ મામલે પોલીસે નશાની હાલતમાં મહેન્દ્ર રાજપૂતની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અનગઢ રોડ પર બાઇકની ટક્કરે યુવાનનું મોત
વડોદરા પાસે પગપાળા જઈ રહેલા યુવાનનું બાઇકની અડફેટે મોત થયું હતું. 5 માર્ચના રોજ વડોદરા નજીક અનગઢ રોડ પર ચાલતા જઈ રહેલા મુકેશ સુનેશ્વર યાદવ(ઉ.33) (રહે. પ્લોટ નં-179, સુદીપ ફાર્મા કંપની, નંદેસરી જીઆઇડીસી, તા. વડોદરા, મૂળ રહે.કલવારી ગામ, જિ.બસ્તી, ઉત્તરપ્રદેશ)ને અજાણ્યા બાઇકે ટક્કર મારી હતી. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે નંદેસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
ડી.જે. પર નાચવા મામલે ઝઘડામાં બે મહિલા પર હુમલો
વડોદરા શહેરના બીલગામ વૈધ ફળિયામાં રહેતા અરૂણાબેન તેમના જેઠાણી નિરૂબેન અને ભત્રીજો વિશાલ ગઇકાલે હોળીની પૂજા બાદ પડોશીને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. જ્યાં ડી.જે. પર બધા લોકો નાચી રહ્યા હતા, ત્યારે હરેશભાઇ વાઘેલા (રહે. બીલગામ, જલારામ ફળિયું, વડોદરા)એ વિશાલને ધક્કો માર્યો હતો અને બોલાચાલી કરી હતી. જ્યાર બાદ હરેશની માતા ભારતીબેને પણ આવી હતી અને બંને માતા-પુત્રએ અરૂણાબેન, નિરુબેન અને વિશાલ પર લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત નિરુબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
કપચીની ટ્રક ઉતારવા મામલે બિલ્ડરને જાનથી મારી નાખવાની ધમકી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં નવી બનતી પેવેલિયન હાઇટ્સ સાઇટ પર ગત 28 ફેબ્રુઆરીના રોજ કપચી ભરીને ટ્રક આવી હતી. જેને અલ્પેશ શાહ, ગજેન્દ્ર રાઉલજી, વિમલ વ્યાસ, કૌશિક સોની અને ત્રીલોક સોનીએ રોકી હતી. તેમજ બિલ્ડર અમિત મુકેશભાઇ શેઠ, મેનેજર કિશોરભાઇ સુરતવાલાને ધમકી આપી હતી કે, તારાથી થતું હોય તે કરી લે તારી કપચીની ટ્રક અહીંથી જવા નહીં દઇએ અને જો તું ટ્રક લઇને જઇશ તો જાનથી મારી નાખીશું. જેથી આ મામલે પાંચ શખ્સો સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
હરણી રોડ પર મકાનમાં ધોળે દિવસે ચોરી
વડોદરાના હરણી રોડ પર આવેલી 16, શિવમ સોસાયટીમાં રહેતા દક્ષાબેન રમેશભાઈ પરમાર (ઉ.46)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 14 ફેબ્રુઆરના રોજ હું સવારે નોકરી પર ગઈ હતી. મારો દિકરો પણ બપોરના સમયે કામ અર્થે બહાર નીકળી ગયો હતો. આ સમયે ઘરમાં કોઈ નહોતું, તે સમયે સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 27 હજારની ચોરી કરીને તસ્કરો ભાગી છૂટ્યા હતા. ઘરે આવીને જોયું તો ઘરનું લોક ખુલ્લું હતું. આ મામલે દક્ષાબેને પોલીસ ફરિયાદ નોંધાવતા હરણી પોલીસે તપાસ શરૂ કરી છે.
એક્ટિવામાંથી દારૂ પકડાયો
બાપોદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે એક ઇસમ એક્ટિવામાં શંકાસ્પદ પ્રવૃતિ કરી રહ્યો હતો. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તે સંદિપ ઉર્ફે બાઇ કિશનભાઈ કહાર (ઉ.34), (રહે. મકાન નં-73, ઝંડા ચોક, સપ્તસૃંગી માતાજીના મંદિર પાસે, કિશનવાડી, વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. તેની એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા 26 હજારની કિંમતનો વિદેશીદારૂ અને બિયર મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સાથે સંદિપ કહારની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.