ક્રાઇમ:મહિલા વકીલની મોપેડ લગોલગ રિક્શા લાવી ચાલકનાં અડપલાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વાહને છેડતી :ચકલી સર્કલથી આંબેેડકર સર્કલ વચ્ચેનો બનાવ
  • બૂમાબૂમ બાદ બાઇક સવારે રિક્ષાનો પીછો કરી ચાલકને સુભાનપુરાથી પકડ્યો

શહેરના અલકાપુરી વિસ્તારમાં ચકલી સર્કલથી આંબેડકર સર્કલ તરફ ટુ વ્હીલર પર જઇ રહેલી મહિલા વકીલની લગોલગ આવી જઇને રિક્ષા ચાલકે મહિલા વકીલ સાથે શારીરિક અડપલાં કરી બિભત્સ ઇશારા કર્યા હતા. મહિલા વકીલે બૂમાબૂમ કરતાં બાઇક ચાલકે પીછો કરીને સુભાનપુરાની ભરુચા હોસ્પિટલ પાસેથી રિક્ષા ચાલકને પકડી લીધો હતો.

દક્ષિણ વિસ્તારમાં રહેતી અને વકીલાત કરતી 34 વર્ષીય પરિણીતા સોમવારે સાંજે 4 વાગ્યે રાવપુરા ખાતે રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી. જ્યાંથી બંને પ્લેઝર મોપેડ પર તાંદલજા શોપિંગ કરવા માટે ગયાં હતાં અને ત્યાંથી બંને સાંજે 7 વાગે અલકાપુરી જવા નીકળ્યાં હતાં. બંને મોપેડ પર ચકલી સર્કલથી આંબેડકર સર્કલ તરફ જઇ રહી હતી ત્યારે રસ્તામાં એક રિક્ષા ચાલકે પાછળથી આવી પરિણીતાની મોપેડ સાથે રીક્ષા ચલાવી ચાલુ વાહને પરિણીતાના શરીર સાથે છેડછાડ કરી શારીરિક અડપલાં કરવા સાથે બીભત્સ ઈશારા કર્યા હતા. જોકે અચાનક પોતાની સાથે થયેલા વર્તનના કારણે મહિલાએ બૂમાબૂમ કરતા રીક્ષા ચાલક રીક્ષા લઇ ભાગી છૂટ્યો હતો. ત્યારે પરણીતાએ તે રીક્ષા ચાલકનો પીછો કર્યો હતો.

મહિલાની બૂમાબૂમ સાંભળી ત્યાંથી પરિવાર સાથે જઇ રહેલા તરસાલીના નિલેશ ઠાકોરભાઇ રાવલે પણ રીક્ષા ચાલકનો પીછો કર્યો હતો. અને સુભાનપુરામાં ભરુચા હોસ્પિટલ પાસે રિક્ષા ચાલકને ઝડપી લીધો હતો. ત્યારબાદ મહિલા વકીલ પણ ત્યાં પહોંચી હતી અને રોમીયોગીરી કરનારા રિક્ષા ચાલકને મેથીપાક ચખાડી તેનું નામ પૂછતાં તે વસીમ પઠાણ (રહે. નવાયાર્ડ)નો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિણીતાએ પોલીસ બોલાવી રીક્ષા ચાલકને પોલીસ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...