ચેઇનની ચોરી:વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં સેવા આપવા રિક્ષામાં જતી વિધવા વૃદ્ધાના ગળામાંથી મુસાફરના સ્વાંગમાં બેસેલા ઠગે સોનાની ચેઇનની ચોરી કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સમા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સમા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • પૂર્વ આયોજન પ્રમાણે રિક્ષા ચાલકે ટોળકી સાથે મળી ચોરીને અંજામ આપ્યો

ઓટોરિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલા મુસાફરોની નજર ચૂકવી પહેરેલાં દાગીનાની ચોરી કરવાના બની રહેલા બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં સેવા આપવા રિક્ષામાં જતી વિધવા વૃદ્ધાના ગળામાંથી મુસાફરના સ્વાંગમાં અગાઉથી બેસેલા ઠગ સોનાની ચેનની ચોરી કરી ગયાનો બનાવ સમા પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. પૂર્વ આયોજન પ્રમાણે રિક્ષા ચાલકે વૃદ્ધા સાથેની મહિલાને આગળ બેસાડી પાછળની સીટમાં બેસાડી દીધી હતી.

ધાર્મિક કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા
મળેલી માહિતી મુજબ શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમીતનગર સોસાયટીમાં રહેતા 64 વર્ષીય વિધવા જ્યોત્સનાબેન પ્રવિણભાઇ પટેલ ગાયત્રી પરિવારમાં સેવા આપે છે. તા. 12મી ડિસેમ્બરના રોજ તેઓ સમા અભિલાષા પાસે આકાશ ગંગા સોસાયટીમાં આયોજીત ગાયત્રી યગ્નમાં ધાર્મિક કાર્યક્રમમાં જવા માટે સંસ્થાના સભ્ય રીટાબેન પટેલ સાથે નીકળ્યા હતા.

રિક્ષામાં એક મહિલાને આગળ અને એકને પાછળ બેસાડ્યા
તેઓ કારેલીબાગ અમિત નગર સર્કલ પાસેથી ઓટો રીક્ષામાં બેસી સમા જઇ રહ્યા હતા. જેમાં જ્યોત્સનાબેનને અગાઉથી પાછળ બેસેલા યુવક અને યુવતી વચ્ચે બેસાડી દીધા હતા અને રીટાબહેનને ડ્રાઈવર સીટ ઉપર આગળ બેસાડ્યા હતા. ત્યારબાદ રસ્તામાંથી વધુ એક યુવકને રિક્ષામાં બેસાડી રીક્ષા ચાલકે સમા તળાવ મામલતદાર કચેરી નજીક બંને વૃદ્ધાને રીક્ષામાંથી ઉતારી દીધા હતા. અને જણાવ્યું હતું કે, હું બાકીના પેસેન્જરને સામે ઉતારી તરત પાછો આવું છું. તેમ કહી રીક્ષા સમા ગામ તરફ લઈ ગયો હતો.

37 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી ચોરી ગયા
દરમિયાન રીટાબહેને જ્યોત્સનાબેનને ગળામાં પહેરેલી સોનાની ચેઇન ન હોવાનું જણાવતા જ્યોત્સનાબહેન ચોંકી ગયા હતા. યોગાનુયોગ રિક્ષાચાલક પણ પરત આવ્યો ન હતો. જેથી તેમની સાથે મુસાફરી કરી રહેલા અજાણ્યા શખ્સોએ રૂપિયા 37 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી ચોરી ગયા હોવાની શંકા સેવી સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે જ્યોત્સનાબહેનની ફરિયાદના આધારે રિક્ષા અને રિક્ષામાં મુસાફરી કરી રહેલા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કારેલીબાગ અમીત નગર સર્કલથી સમા તળાવ સુધીના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.