છેતરપિંડી:વડોદરાનો શેરબ્રોકર 29 લાખનું રોકાણ કરાવી 1 કરોડનું વળતર આપવાનું કહી લંડન ભાગ્યો

વડોદરાએક મહિનો પહેલા
ગોત્રી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગોત્રી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.

વડોદરા શહેરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રોજેક્ટ મેનેજર અને તેના પરિવારજનો પાસેથી શેરબજારમાં રોકાણ કરી એક કરોડ રૂપિયાથી વધુનું વળતર આપવાની લાલચ આપી આરોપી શેરબ્રોકર લંડન ભાગી ગયો હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ફોન પર રોકાણની વાત કરી રૂબરુ મળ્યા
વડોદરાના જેતલપુર રોડ પર આવેલ કાશીવિશ્વેશ્વર ટાઉનશીપમાં રહેતા અને પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઇ અશ્વિનભાઇ પરીખે દિક્ષિત સુરેશ શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અમિત પરીખે આક્ષેપ કર્યો છે કે શેરબ્રોકર દિક્ષિત શાહ (રહે. મધુકુલ કો.ઓપરેટિવ, સોસાયટી, વાડી, વડોદરા. હાલ લંડન)એ ફોન પર સંપર્ક કરી શેરબજારની વિવિધ સ્કિમમાં મૂડીરોકાણ કરવા જણાવ્યું હતું. જેથી બંને વચ્ચે રૂબરુ મુલાકાત થઇ હતી અને સંબંધ ઘનિષ્ઠ બન્યા હતા.

સાગરીતોએ પણ મૂડીરોકાણ કરાવ્યું
જેથી અમિત પરીખે પોતે તેમજ પત્નીના અને સંબંધીઓના નાણા દિક્ષિત શાહ તેમજ તેના સાથીદારો વૈભવ સુરેશ શાહ (રહે. મધુકુલ, સોસાયાટી, વાડી, વડોદરા), અમોલ કેશવભાઇ સાણે (જય રણછોડ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) અને મયુર શૈલેષભાઇ વસાવા (રહે. હરિધામ કોમ્લેક્ષ, વાઘોડિયા રોડ, વડોદરા) મારફતે અનેક વખતે મૂડી રોકાણ કર્યું હતું.

આરોપી લંડન ભાગી ગયો
ફરિયાદીએ ટુકડે ટુકડે 29 લાખ 57 હજાર રૂપિયાનું મૂડીરોકાણ કર્યું હતું. જેની સામે દિક્ષિત અને તેના સાગરીતોએ 1 કરોડ 10 લાખ 70 હજારનું વળતર ચુકવીશું તેમ જણાવ્યું હતું. જો કે નફો કમાવી આપવાના બદલે આરોપી દિક્ષિત શાહ ફેબ્રુઆરી 2022માં લંડન ભાગી ગયો હતો. જેથી આ મામલે અમિતભાઇએ દિક્ષિત શાહ અને તેના સાગરીતો સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.